Women's World Cupમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી કર્યો સેમિફાઇનલમાં પ્રવેશ, જાણો ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે

ટીમ ઈન્ડિયા મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી અને છેલ્લી ટીમ બની છે. 23 ઓક્ટોબરે નવી મુંબઈમાં રમાયેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 53 રનથી હરાવીને ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં પહોંચી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ટીમો એ જ છે, જેની સામે ગ્રૂપ સ્ટેજમાં ભારતે સતત ત્રણ મેચ હારી હતી. પરંતુ, સેમીફાઈનલમાં કોની સામે કઈ ટીમનો મુકાબલો થશે?
ટીમ ઈન્ડિયાની પોઝિશન નહીં બદલાય
પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો, 6-6 મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા 11 પોઈન્ટ્સ સાથે ટોચ પર છે. સાઉથ આફ્રિકા 6 મેચમાં 10 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે, જેના 6 મેચમાં 9 પોઈન્ટ્સ છે. જ્યારે ભારતીય ટીમ 6 મેચમાં 6 પોઈન્ટ્સ સાથે ટોપ ફોર એટલે કે સેમીફાઈનલમાં સ્થાન મેળવનારી છેલ્લી ટીમ છે.
સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું હોવા છતાં, આ તમામ ટીમોએ ગ્રૂપ સ્ટેજમાં હજુ એક-એક મેચ રમવાની બાકી છે. છેલ્લી ગ્રૂપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ ટકરાશે, જ્યારે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે રમશે. હવે જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી જાય, તો પણ તેની પોઝિશન બદલાશે નહીં. કારણ કે, બાંગ્લાદેશ પર જીત બાદ પણ તેના 8 પોઈન્ટ્સ જ હશે અને તે નંબર 4 પર જ રહેશે. જોકે, ટોપની ત્રણ પોઝિશનમાં ફેરફાર જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે નંબર 1 બનવાની ટક્કર
છેલ્લી ગ્રૂપ મેચમાં જો ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું તો તે 13 પોઈન્ટ્સ સાથે નંબર વન પર જ રહેશે. પરંતુ, સાઉથ આફ્રિકા સામે હાર તેને બીજા નંબરે ધકેલી દેશે, કારણ કે જીતથી સાઉથ આફ્રિકાના 12 પોઈન્ટ્સ થઈ જશે. જોકે, આવું થવાની શક્યતા ઓછી છે, કારણ કે અત્યાર સુધી રમાયેલી 18 વનડે મેચોમાં માત્ર એક જ વખત સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકી છે. 16 વખત તેને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ બિનનિર્ણિત રહી છે.
ઈંગ્લેન્ડની વાત કરીએ તો, તેની પાસે પણ બીજા નંબરે પહોંચવાનો મોકો છે. જો તે ન્યૂઝીલેન્ડને મહિલા વર્લ્ડ કપની છેલ્લી ગ્રૂપ મેચમાં હરાવે તો તેના 11 પોઈન્ટ્સ થઈ જશે, અને તે બીજા સ્થાને પહોંચી જશે. પરંતુ, આવું થવા માટે સાઉથ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા સામે હારવું પડશે. જો સાઉથ આફ્રિકા નહીં હારે, તો ઈંગ્લેન્ડ તેની હાલની પોઝિશન નંબર 3 પર જ રહેશે, ભલે તે ન્યૂઝીલેન્ડ સામે જીતે કે હારે.
સેમીફાઈનલનું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે?
હવે સવાલ એ છે કે મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં કોની સામે કઈ ટીમનો મુકાબલો થશે? ટીમ ઈન્ડિયા સામે કઈ ટીમ ટકરાશે? મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની પ્રથમ સેમીફાઈનલ 29 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાનું રમવું નિશ્ચિત છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં ચોથા નંબરની ટીમ ભારતનો મુકાબલો ટેબલ ટોપર ટીમ સાથે થશે. હવે તે ઓસ્ટ્રેલિયા હશે કે સાઉથ આફ્રિકા, તે 25 ઓક્ટોબરે ખબર પડશે.
જ્યારે ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે મુકાબલો થશે. મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે.

