મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ZIM: શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, આ 3 ભારતીય ખેલાડીઓએ કર્યુ ડેબ્યુ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ હરારેમાં રમાઈ રહી છે.

IND vs ZIM: શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, આ 3 ભારતીય ખેલાડીઓએ કર્યુ ડેબ્યુ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ હરારેમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દ્વારા ભારતીય ટીમ T20 ક્રિકેટમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. T20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ બાદ ભારતીય ટીમની આ પહેલી મેચ છે. આ મેચમાં શુભમન ગિલ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઝિમ્બાબ્વે ટીમની લગામ સિકંદર રઝાના ખભા પર છે.

ઝિમ્બાવ્બે સામેની મેચથી અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્મા અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રિયાન પરાગની પહેલી વખત ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
 
ભારતીય ટીમના પ્લેઈંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11: તદિવનાશે મારુમાની, ઈનોસેંટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાદ્ઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.

જણાવી દઈએ કે, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 8 T20 મેચ રમાઈ છે. જેમાંથી 6 મેચમાં ભારત અને 2 મેચમાં  ઝિમ્બાબ્વે વિજયી બન્યું છે. બંને દેશો વચ્ચે કુલ 66 વનડે મેચ  રમાઈ છે. જેમાં ભારત 54 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 10 વખત જીત્યું છે અને 2 મેચ ટાઈ રહી છે. જ્યારે કુલ 11 ટેસ્ટ મેચોમાં ભારત 7 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 2 વખત જીત્યું છે અને 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

આ સમાચાર શેર કરો