IND vs SA: ક્યાંક પૂજા તો ક્યાંક હવન... ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના
ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફા

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે આજે ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સખત મહેનત કરી રહી છે. એક તરફ ખેલાડીઓ નેટમાં પરસેવો પાડી રહ્યા છે તો બીજી તરફ ફેન્સ ટીમની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત માટે ફેન્સ અલગ-અલગ શહેરોમાં પૂજા-પાઠ અને હવન કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના કાનપુરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ફેન્સ ભારતીય ક્રિકેટરોની તસવીરો સાથે મંદિરમાં પૂજા કરી રહ્યા છે. આ સિવાય પ્રયાગરાજના ક્રિકેટ ફેન્સે પણ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય વારાણસીથી સામે આવેલા વીડિયોમાં ફેન્સ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ભારતની જીત માટે વારાણસીમાં ફેન્સે હવન કર્યો. આ દરમિયાન ફેન્સ ક્રિકેટ બેટ, ભારતીય ખેલાડીઓની તસવીરો અને તિરંગા સાથે મંદિર પહોંચ્યા હતા.
ટીમ ઈન્ડિયા 7 મહિનામાં બીજી આઈસીસી ફાઈનલ રમશે
નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા છેલ્લા 7 મહિનામાં બીજી આઈસીસી ફાઈનલ રમશે. આ પહેલા 2023માં ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ જીતીને પોતાના જૂના જખમને મટાડવા માગશે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટાઈટલ મેચ સાઉથ આફ્રિકા સામે છે. ટૂર્નામેન્ટની ફાઈનલ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે રમાશે.
T20 વર્લ્ડ કપમાં અજેય છે ટીમ ઈન્ડિયાની સફર
ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચતી વખતે T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી. પ્રથમ, રોહિત બ્રિગેડે ગ્રૂપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. એક મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી અને તેને રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપર-8માં ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચ જીતી હતી. આ પછી, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.






