IND vs PAK: ત્રણ ગુજરાતીઓએ પાકિસ્તાનના ધૂરંધરોને કર્યા પેવેલિયન ભેગા
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. 30 ઓ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. 30 ઓવર સુધી શાંતિથી ચાલી રહેલી મેચમાં બાદમાં રસાકસી વધી છે. ત્રણ ગુજરાતી દિગ્ગજ બોલરે પોતાની આક્રમક બોલિંગથી પાકિસ્તાન ટીમ પર પ્રેશર વધાર્યું છે.
સમાચાર લખાયા ત્યાં સુધીમાં ભારત સામે પાકિસ્તાને 43 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતાં. ખુશદીલ શાહ અને નસીમ શાહ પીચ પર બેટિંગ કરી રહ્યા હતાં. મેચમાં શરૂ થયેલી રસાકસીથી ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ અપાવી પહેલી વિકેટ
ભારતીય ટીમને પહેલી વિકેટ હાર્દિક પંડ્યાએ અપાવી હતી. હાર્દિકની બોલિંગમાં વિકેટકીપર કેએલ રાહુલે બાબર આઝમનો કેચ ઝડપ્યો હતો. મોહમ્મદ શમીએ દુઃખાવાના કારણે સ્પેલ અધવચ્ચે છોડ્યો હતો જેના કારણે હાર્દિક પંડ્યાને બોલિંગ માટે બોલવાયો હતો. તેણે બાબર આઝમની વિકેટ ઝડપીને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી. બાદમાં હાર્દિકે શકીલની ત્રીજી વિકેટ લીધી હતી.
અક્ષર પટેલે બીજી વિકેટ લીધી
અક્ષર પટેલે ઈમામ ઉલ-હકને રન આઉટ કર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ક્લિન બોલ્ડ કર્યો હતો. અક્ષર પટેલે ઈમામ ઉલ હક અને બાબર આઝમની પાર્ટનરશીપ તો તોડી પણ પીચ પર સેટ થઈ ગયેલા મોહમ્મદ રિઝવાનને પણ ક્લિન બોલ્ડ કરી પ્રેશર બનાવ્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ પણ ઝડપી વિકેટ
રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ઓવરના પહેલાં જ બોલે તાહિરને બોલ્ડ કર્યો હતો. ભારતે 15 રનના ગાળામાં પાકિસ્તાનની ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 150 રન હતો જે થોડા જ વખતમાં 165/5 થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ સલમાન આગાનો શાનદાર કેચ પકડ્યો. અગાઉ પોતાની બોલિંગ દરમિયાન તેણે તાહિરને બોલ્ડ કર્યો હતો.








