મેચ ફિક્સિંગમાં અમેરિકાના ભારતીય મૂળના ક્રિકેટર પર ICCનો સિકંજો, 8 વર્ષ માટે તમામ ક્રિકેટમાં પ્રતિબંધ!

મેચ ફિક્સિંગના ગંભીર આરોપોમાં અમેરિકાના ક્રિકેટર બોડુગુમ અખિલેશ રેડ્ડી પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સજા ફટકારવામાં આવી છે. 26 વર્ષીય ભારતીય મૂળના આ ક્રિકેટર પર 8 વર્ષ માટે તમામ પ્રકારના ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અબુ ધાબી T10 ટુર્નામેન્ટમાં કરી ફિક્સિંગની કોશિશ
અખિલેશ રેડ્ડીને વર્ષ ૨૦૨૫ની અબુ ધાબી T10 ટુર્નામેન્ટ દરમિયાન ICCના 'એન્ટી કરપ્શન કોડ'ના નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની સાથેના અન્ય એક ખેલાડીને પણ આ ગેરકાયદે કામ માટે ઉશ્કેર્યો હતો.
8 વર્ષ માટે ક્રિકેટમાંથી આઉટ
ICC એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે રેડ્ડી પર આ બાન 21 નવેમ્બર 2025 થી લાગુ માન્યો છે (જે દિવસે તેમને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા). હવે તેઓ નવેમ્બર 2033 સુધી કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમી શકશે નહીં. 8 વર્ષના લાંબા પ્રતિબંધને કારણે રેડ્ડીની ક્રિકેટ કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.
પુરાવા નાશ કરવાનો પણ આરોપ
તપાસ શરૂ થતાં જ રેડ્ડીએ પોતાના મોબાઈલમાંથી ચેટ્સ અને કૉલ રેકોર્ડ્સ ડિલીટ કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમના પર તપાસમાં અડચણ ઊભી કરવાનો પણ આરોપ સાબિત થયો છે. જણાવી દઈએ કે, રેડ્ડીનો ઉછેર હૈદરાબાદમાં થયો હતો. તે જમણેરી બેટ્સમેન અને ઓફ-સ્પિન બોલર પણ છે. વર્ષ 2025 દરમિયાન યુએસએ (USA) તરફથી 4 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા હતા.
અમેરિકાનો બીજો ખેલાડી દંડાયો
આ વર્ષે એન્ટી કરપ્શન કોડનો ભંગ કરનાર રેડ્ડી યુએસએનો બીજા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો છે. આ પહેલાં બાર્બાડોસની બીમ10 ટુર્નામેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાના સ્ટાર બેટ્સમેન એરોન જોન્સને પણ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

