IPL 2026 / હૈદરાબાદના ફાસ્ટ બોલર સાકિબ હુસૈને રચ્યો ઈતિહાસ, ડેબ્યુ સિઝનમાં જ મેળવી મોટી સિદ્ધિ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી ડેબ્યુ કરનારા યુવા ફાસ્ટ બોલર સાકિબ હુસૈને પોતાની ધારદાર બોલિંગના જોરે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે ડેબ્યુ કરનારા સાકિબે પોતાના શાનદાર પ્રદર્શનથી IPLના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે અત્યાર સુધી કોઈ બોલર નથી કરી શક્યો.
‘ગોપાલગંજ એક્સપ્રેસ’નો દબદબો: ડેબ્યુથી અત્યાર સુધી અણનમ રેકોર્ડ
બિહારના વતની અને ‘ગોપાલગંજ એક્સપ્રેસ’ તરીકે જાણીતા સાકિબ હુસૈનને IPL 2026માં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ રમવાની તક મળી હતી. પોતાની ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ ઝડપીને તેણે સનરાઈઝર્સમાં લોકપ્રિયતા મેળવી હતી. સાકિબની સચોટ લાઈન-લેન્થ અને વિકેટ લેવાની ભૂખને કારણે તેને સિઝનની તમામ બાકીની લીગ મેચોમાં રમવાની તક મળી છે.
સાકિબ પણ ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતાર્યો છે. તેણે આ સિઝનની 10 લીગ મેચોમાં કુલ 15 વિકેટ ઝડપી છે. સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે, સાકિબે પોતાની ડેબ્યુ મેચથી લઈને અત્યાર સુધી રમેલી તમામ 10 મેચોમાં સતત વિકેટ મેળવી છે. IPLના ઈતિહાસમાં ડેડેબ્યુ કર્યા બાદ સતત 10 મેચમાં વિકેટ લેનારો તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.
માત્ર 30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદાયો હતો સાકિબ
IPL 2026ના મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે સાકિબ હુસૈનને માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સિઝનની શરૂઆતની મેચોમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહતું મળ્યું, પરંતુ ટીમની સતત હાર બાદ મેનેજમેન્ટે સાકિબ પર દાવ ખેલ્યો, જે એકદમ સાચો સાબિત થયો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને 20 લાખમાં ખરીદ્યો હતો પરંતુ ડેબ્યુની તક નહતી મળી, જ્યારે IPL 2025માં તે અનસોલ્ડ રહ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી
સાકિબ હુસૈનની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ RCB અને ગુજરાત ટાઈટન્સ (GT) ની સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. હૈદરાબાદની છેલ્લી લીગ મેચ RCB સામે હતી. જો આ મેચમાં સનરાઇઝર્સે RCBને 166 રનમાં ઓલઆઉટ કરી દીધું હોત, તો તે સારા નેટ રન રેટના કારણે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હોત. જોકે, તેમ ન થઈ શક્યું અને સનરાઈઝર્સે લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહીને સફર પૂરી કરી છે.

