Paralympics 2024: હરવિંદર સિંહે ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ગોલ્ડ

હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને આસાનીથી 6-0થી હરાવ્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આ ચોથો ગોલ્ડ અને કુલ 22મો મેડલ છે. ભારતીય ખેલાડીએ આ મેચ સીધા સેટમાં 28-24, 28-27, 29-25થી જીતીને ઇતિહાસ રચ્યો છે.
હરવિંદર સિંહ હવે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ (કાંસ્ય) જીતનાર પ્રથમ તીરંદાજ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેરિસ પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ શીતલ દેવી અને રાકેશ કુમારે મિશ્ર ટીમ કમ્પાઉન્ડ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હજુ વધુ એક મેડલ જીતી શકે છે હરવિંદર
હરવિંદર સિંહ પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં ત્રીજો મેડલ પણ જીતી શકે છે. હવે તે પૂજા જટાયન સાથે રિકર્વ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં મેડલ માટે સ્પર્ધા કરશે. ટીમ સ્પર્ધામાં તેમની પહેલી મેચ 5 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે. જો હરવિન્દર તે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલને લક્ષ્યાંક બનાવે છે, તો તે એક જ પેરાલિમ્પિક રમતમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર ઈતિહાસનો પ્રથમ ભારતીય એથ્લેટ બની જશે.
મેડલ ટેબલમાં ભારત ક્યાં છે?
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીતેલા મેડલની સંખ્યા હવે 22 પર પહોંચી ગઈ છે, જેમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હવે ભારત મેડલ ટેબલમાં 15મા સ્થાને આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભારત કોઈ એક પેરાલિમ્પિક રમતમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ તોડી ચૂક્યું છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા.






