MI vs RR / મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી હાર બાદ ઈમોશનલ થઈ ગયો હાર્દિક પંડ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આ વાત
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં તેની ત્રીજી

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં તેની ત્રીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું અને મુંબઈ ઈન્ડિયન્સ જીતનું ખાતું ખોલી શકી નહીં.
આ હાર સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં મેચની શરૂઆત પહેલા હાર્દિક જ્યારે ટોસ માટે બહાર આવ્યો ત્યારે દર્શકોએ પંડ્યાને બૂમ પાડીને ટ્રોલ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની કારમી હાર બાદ હવે કેપ્ટન હાર્દિકે તેના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હાર બાદ આ વાત કહી
વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે તેના ઘરે (વાનખેડેમાં) 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે જો તમારે આ ટીમ વિશે એક વાત જાણવી હોય તો તે છે કે અમે ક્યારેય હાર માનીશું નહીં. અમે લડતા રહીશું અને આગળ વધતા રહીશું.
નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની IPL 2024માં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમ આ સિઝનમાં તેની પ્રથમ ત્રણ મેચ હારી છે. તમને જણાવી દઈએ કે, પંડ્યાએ તેની કેપ્ટનશિપ હેઠળ વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સ માટે IPLનો ખિતાબ જીત્યો હતો અને 2023માં ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે, મુંબઈ પરત ફરતી વખતે તેની શરૂઆત ખરાબ રહી હતી. અમદાવાદ અને હૈદરાબાદ બાદ હાર્દિકને મુંબઈમાં પણ ચાહકોની બૂમોનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે મુંબઈને 6 વિકેટે હરાવ્યું હતું
IPL 2024ની 14મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સના બોલરો સામે મુંબઈનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે મુંબઈના ત્રણ બેટ્સમેનોને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધા હતા.
હાર્દિક અને તિલક વર્મા વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. તિલકે બેટથી 32 અને હાર્દિકે 34 રન બનાવ્યા હતા. બોલ્ટ સિવાય ચહલે પણ રાજસ્થાન તરફથી 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં 126 રનનો પીછો કરતા રાજસ્થાનની ટીમે માત્ર 15.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન ટીમ માટે રિયાગ પરાગે 54 રનની અણનમ ઈનિંગ રમી જેમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ હતી.








