VIDEO: IND vs AFG / ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાંથી બહાર થયો હાર્દિક પંડ્યા
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થવા જઈ રહેલી ત્રણ મેચોવી ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત
BCCIની મેડિકલ અપડેટ પ્રમાણે હાર્દિકને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન થયું છે. આ જાંઘના આગળના ભાગમાં સ્નાયુઓમાં ખેંચાણની ઈજા છે. મેડિકલ સ્ટાફે તેનો રિકવરી સમયગાળો લગભગ ત્રણ અઠવાડિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામેની ત્રણેય ODIમાં મેચ માટે ઉપલબ્ધ નહીં રહે.
હાર્દિક પંડ્યા તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL દરમિયાન બેક સ્પાઝમ (પીઠના સ્નાયુઓમાં ખેંચાણ) ની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ માટે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચ્યો હતો. જ કે, ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન હોવાનું પણ નિદાન થયું હતું, ત્યારબાદ તેને અફઘાનિસ્તાન સામેની આગામી ODI સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખશે અને મેદાનમાં વાપસી માટે લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ નવી ઈજા CoEમાં મૂલ્યાંકન દરમિયાન સંપૂર્ણ 10 ઓવર બોલિંગને કારણે થઈ હશે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
હાર્દિકનું બહાર થવું ભારતીય ટીમના સંતુલન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તે મિડલમાં વિસ્ફોટક બેટિંગ તો કરે જ છે પરંતુ આ સાથે જ તે નવા બોલ અને મિડલ ઓવર્સમાં ઉપયોગી ફાસ્ટ બોલિંગનો વિકલ્પ પણ આપે છે. તેની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે ઓલરાઉન્ડર વિભાગમાં નવા સંયોજન પર વિચાર કરવો પડી શકે છે.
આ ખેલાડીઓ પર વધારાની જવાબદારી આવશે
શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ ODI સિરીઝ રમશે. ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા બેટ્સમેન સામેલ છે. ઓલરાઉન્ડર વિભાગમાં નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર અને હર્ષ દુબે પર વધારાની જવાબદારી આવી શકે છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ODI 13 જૂનના રોજ ધર્મશાલામાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 17 જૂનના રોજ લખનૌ અને ત્રીજી અને છેલ્લી મેચ 20 જૂનના રોજ ચેન્નાઈમાં રમાશે.
IPLની આ સિઝનમાં હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચો નહોતો રમી શક્યો, જોકે તેણે 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની છેલ્લી મેચમાં વાપસી કરી લીધી હતી.
ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય
અફઘાનિસ્તાન સિરીઝ ભારત માટે આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની તૈયારીના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાનું ટીમમાંથી બહાર થવું એ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હવે તેની જગ્યાએ કયા ખેલાડીને તક મળે છે અને ભારતીય ટીમ કયા સંયોજન સાથે મેદાનમાં ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.
ભારત: ODI સ્કવૉડ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિંસ યાદવ અને ગુરનૂર બરાર.
હાર્દિક પંડ્યા લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સના સ્ટ્રેનના કારણે અફઘાનિસ્તાન ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિપ્લેસમેન્ટની જાહેરાત બાકી છે.
IND vs AFG: ODI સિરીઝ
પ્રથમ ODI - 13 જૂન, ધર્મશાલા, બપોરે 1:30 કલાકે
બીજી ODI - 17 જૂન, લખનૌ, બપોરે 1:30 કલાકે
ત્રીજી ODI - 20 જૂન, ચેન્નાઈ, બપોરે 1:30 કલાકે

