ભારતનો 'ઉસૈન બોલ્ટ', 10.09 સેકન્ડમાં જીતી 100 મીટરની રેસ; દેશનો સૌથી ઝડપી સ્પ્રિન્ટર બન્યો

રાંચીમાં આયોજિત ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય દોડવીરો (સ્પ્રિન્ટિંગ) વચ્ચે બે દિવસ સુધી એક ઐતિહાસિક મુકાબલો જોવા મળ્યો છે. પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની 100 મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ પોતાના નામે કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. શનિવારે 23 મે, 2026ના રોજ યોજાયેલા ફાઈનલ મુકાબલામાં તેણે માત્ર 10.09 સેકન્ડની શાનદાર દોડ લગાવીને 10.10 સેકન્ડની મર્યાદા પાર કરનારા પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે તેણે કોમનવેલ્થ ગેમ્સ (10.16 સેકન્ડ ક્વોલિફિકેશન માર્ક) અને એશિયન ગેમ્સ માટે પણ પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.
ગુરિન્દરવીર અને અમિનેશ વચ્ચે રોમાંચક ટક્કર
તાજેતરના વર્ષોમાં ભારતીય એથ્લેટિક્સમાં આવી રોમાંચક હરીફાઈ ક્યારેય નથી જોવા મળી. ફાઈનલ મેચના બરાબર 24 કલાક પહેલા એટલે કે શુક્રવારે સેમીફાઈનલ દરમિયાન પણ ગુરિન્દરવીર અને ઓડિશાના દોડવીર અમિનેશ કુજુર વચ્ચે રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની અદ્ભુત રેસ જામી હતી. જોકે, શનિવારે રમાયેલી ફાઈનલમાં ગુરિન્દરવીરે બાજી મારીને અમિનેશ પાસેથી નેશનલ રેકોર્ડ પાછો છીનવી લીધો હતો. આ ફાઈનલ રેસમાં અમિનેશ કુજુર 10.20 સેકન્ડ સાથે બીજા ક્રમે અને પ્રણવ પ્રમોદ 10.29 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.
શુક્રવારે મિનિટોમાં બદલાયા હતા રેકોર્ડ
નેશનલ રેકોર્ડને લઈને ચાલી રહેલી આ ઉથલપાથલ 22 મેના રોજ સેમીફાઈનલ રાઉન્ડ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ સેમીફાઈનલ હીટમાં ગુરિન્દરવીર સિંહે 10.17 સેકન્ડનો સમય કાઢીને અમિનેશ કુજુરનો 10.18 સેકન્ડનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે, પંજાબના આ દોડવીરની ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી શકી હતી, કારણ કે તેના પછીની જ હીટમાં અમિનેશ કુજુરે 10.15 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગુરિન્દરવીરનો રેકોર્ડ તોડીને ફરીથી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.
ફાઈનલમાં ગુરિન્દરવીરની ધમાકેદાર વાપસી
શુક્રવારની રેસમાં ઓડિશાના અમિનેશ કુજુરે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું હતું, પરંતુ પંજાબનો ગુરિન્દરવીર સિંહ માત્ર 0.01 સેકન્ડના ખૂબ જ નાના અંતરથી ચૂકી ગયો હતો. આ અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે તેણે શનિવારે ફાઇનલમાં જોરદાર વાપસી કરી. ગુરિન્દરવીરે મેદાન પર પોતાની ઝડપનો અદ્ભુત નમૂનો બતાવીને માત્ર 10.09 સેકન્ડમાં દોડ પૂરી કરી લીધી. આ સાથે જ તે 10.10 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં 100 મીટરની રેસ પૂરી કરનારા ભારતનો સૌથી પહેલા અને સર્વશ્રેષ્ઠ એથ્લીટ બની ગયો છે.

