IPL 2026: શું રિષભ પંત પાસેથી છીનવાઈ જશે કેપ્ટનશિપ? LSG ડિરેક્ટરના નિવેદનથી શરૂ થઈ અટકળો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. પંજાબ કિંગ્સ (PBKS) સામેની શનિવારની હાર બાદ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાંથી બહાર થનારી સૌપ્રથમ ટીમ બની છે. સતત બે સિઝન સુધી ટીમની કમાન સંભાળનાર રિષભ પંત આગામી સમયમાં કેપ્ટન તરીકે યથાવત રહેશે કે નહીં, તે અંગે હવે મોટા સવાલો ઊભા થયા છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં ફ્રેન્ચાઇઝીના ભવિષ્ય અને કેપ્ટનશિપમાં ફેરફાર અંગે ખુલ્લેઆમ વાત કરીને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે.
કેપ્ટનશિપના દબાણની પંતની બેટિંગ પર થઈ નકારાત્મક અસર?
ટોમ મૂડીએ રિષભ પંતની કેપ્ટનશીપ અને તેના ફોર્મ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, "જો કેપ્ટનશિપના દૃષ્ટિકોણથી જોઈએ તો, પંત માટે આ જવાબદારી ચોક્કસપણે ખૂબ જ પડકારજનક સાબિત થઈ છે અને ટીમના પરિણામો પણ આ વાતની સાક્ષી પૂરે છે. આપણને એ વિચારવા પર મજબૂર થવું પડે છે કે શું આ નેતૃત્વનું દબાણ તેની બેટિંગ પર પણ દેખાઈ રહ્યું છે? આ સિઝન અમારા માટે ખૂબ મુશ્કેલ રહી છે, તેથી અમે શાંતિથી બેસીને તમામ પાસાઓ પર ગંભીરતાથી આત્મમંથન કરીશું."
નોંધનીય છે કે ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદાયેલો રિષભ પંત બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો છે. લખનૌ તરફથી રમતા બે સિઝનમાં તેણે 135.74ના સ્ટ્રાઈક રેટથી માત્ર 581 રન બનાવ્યા છે, જે તેના કરિયરના ઓવરઓલ સ્ટ્રાઈક રેટ (144.18) કરતા ઘણો ઓછો છે. પંતની આગેવાનીમાં LSGએ 28 મેચોમાંથી માત્ર 10માં જ જીત મેળવી છે.
'લીડરશિપ પર ગંભીરતાથી વિચાર થશે, ટીમમાં રીસેટની જરૂર'
ભવિષ્યની રણનીતિ અંગે પત્તા ખોલતા ટોમ મૂડીએ આગળ કહ્યું કે, "અમે જે સ્તરની આશા રાખી હતી, તે અપેક્ષાઓ કે સ્ટાન્ડર્ડ પર આ સિઝનમાં ખરા નથી ઉતરી શક્યા. જ્યારે ફ્રેન્ચાઈઝીની લીડરશિપની વાત આવે છે, ત્યારે આ એક એવો વિષય છે જેના પર અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરીશું કે તે આગળ કેવી દેખાશે. અન્ય તમામ વિભાગોની જેમ, આ સિઝનની સમીક્ષા કરતી વખતે અમે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણયો લઈશું. પરંતુ એટલું ચોક્કસ છે કે અમારે હવે નવી શરૂઆત કરવા પર વિચારવાની પૂરેપૂરી જરૂર છે."
બેટિંગ અને બોલિંગ બંને મોરચે સામૂહિક નિષ્ફળતા
ટીમના નબળા પ્રદર્શનના ટેકનિકલ કારણો જણાવતા મૂડીએ કહ્યું કે, "આ સિઝનમાં એવી ઘણી બાબતો છે જે નિષ્ફળતા માટે જવાબદાર ગણી શકાય. સિઝનની શરૂઆતમાં ખાસ કરીને અમારી બોલિંગ લાઈન-અપ ઘણી સારી હતી. પરંતુ કમનસીબે, અડધીથી વધુ સિઝન સુધી અમારી બેટિંગ બિલકુલ ચાલી શકી નહીં. અમને જેવી આક્રમક શરૂઆતની આશા હતી તેવી શરૂઆત ટોપ ઓર્ડર અપાવી શક્યો નહીં અને મિડલ ઓર્ડર પણ રન બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો."
જોકે, ખરાબ પ્રદર્શન માટે કોઈ એક ખેલાડી કે વિભાગ પર દોષારોપણ કરવાનો ઇનકાર કરતા તેણે ઉમેર્યું કે, "આ પ્રદર્શન માટે અમે બધા જ સમાન રીતે જવાબદાર છીએ. આ સમય કોઈ એક વ્યક્તિ તરફ આંગળી ચીંધવાનો કે કોઈ ચોક્કસ ડિપાર્ટમેન્ટનો વાંક કાઢવાનો નથી. અમારે શાંતિથી આ અંગે વિચાર કરવાની જરૂર છે અને જે બાબતો સુધારવા જેવી છે, તેને ચોક્કસપણે સુધારવામાં આવશે."
પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ
રિષભ પંતની કેપ્ટનશિપ હેઠળ લખનૌની ટીમ ગત સિઝનમાં સાતમા ક્રમે રહી હતી અને આ સિઝનમાં પણ તેનું પ્રદર્શન કથળતા તે પોઈન્ટ્સ ટેબલમાં તળિયે પહોંચી ગઈ છે. આ શરમજનક એક્ઝિટ બાદ હવે આગામી મેગા ઓક્શન કે નવી સિઝન પહેલા ટીમ મેનેજમેન્ટ અને નેતૃત્વમાં મોટા ફેરફારો થાય અને રિષભ પંતની જગ્યાએ કોઈ નવા ખેલાડીને કેપ્ટનશિપ સોંપાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

