રણજીમાં ગુજરાતી બેટરની બેવડી સદી: 17 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે તોફાની ઇનિંગ્સ

રણજી ટ્રોફી એલિટ ગ્રુપ-Cના મુકાબલામાં ગુજરાતના યુવા વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલ પટેલે કેરળ સામે ધમાકેદાર પ્રદર્શન કરતાં પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ઉર્વિલે કેરળના બોલરો સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી 227 બોલમાં અણનમ 210 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.
ગુજરાતની મજબૂત શરૂઆત બાદ ધબડકો અને ઉર્વિલની રક્ષણાત્મક લડત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતાં ગુજરાતની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ 9 વિકેટે 534 રનના વિશાળ સ્કોર પર ડિકલેર કરી હતી. અભિષેક દેસાઈ (42 રન) અને આર્ય દેસાઈએ પ્રથમ વિકેટ માટે 116 રનની સદીની ભાગીદારી નોંધાવી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આર્ય દેસાઈએ 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 95 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે વેદાંત ત્રિવેદી (9) સાથે 22 રન અને મનન હિંગરાજિયા (33) સાથે 42 રન ઉમેરી સ્કોર 180 સુધી પહોંચાડ્યો હતો. જોકે, મિડલ ઓર્ડરમાં ધબડકો થતાં ગુજરાતે 189 રનના સ્કોર પર પોતાની 5 મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી.
નીચલા ક્રમે વિશાળ ભાગીદારીઓ અને ઉર્વિલનું તોફાન
189 રને 5 વિકેટ પડી ગયા બાદ ઉર્વિલ પટેલે બાજી સંભાળીને કેરળના આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું.
ઉર્વિલે વિશાલ જયસ્વાલ (77 રન, 9 બાઉન્ડ્રી) સાથે છઠ્ઠી વિકેટ માટે 179 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી ટીમને 350 રનને પાર પહોંચાડી હતી.
ત્યારબાદ ઉર્વિલે અમિત દેસાઈ (36 રન) સાથે 78 રન અને સિદ્ધાર્થ દેસાઈ (18 રન) સાથે 82 રનની ઉપયોગી ભાગીદારી કરી સ્કોર 500ને પાર પહોંચાડ્યો હતો.
ઉર્વિલ પટેલે પોતાની 210 રનની અણનમ ઇનિંગ્સ દરમિયાન 227 બોલનો સામનો કરીને 17 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
કેરળ તરફથી નેદુમાનકુઝી બાસિલે 80 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આદિત્ય સરવટેને 2 વિકેટ મળી હતી. એમડી નિધીશ, જલજ સક્સેના અને વૈશાખ ચંદ્રનને 1-1 વિકેટ મળી હતી.





