UP vs GG / ગુજરાત જાયન્ટ્સે જીત સાથે કરી WPL 2026ની શરૂઆત, એશ્લે ગાર્ડનરે રમી મેચવિનિંગ ઈનિંગ

WPL 2026ની બીજી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે 10 રનથી જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. જવાબમાં UP 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 197 રન જ બનાવી શક્યું હતું અને અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે સિઝનની શરૂઆત જીત સાથે કરી છે.
ગુજરાત માટે એશ્લે ગાર્ડનરે અડધી સદી ફટકારી
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે સારી શરૂઆત કરી હતી. બેથ મૂની અને સોફી ડિવાઈને પ્રથમ વિકેટ માટે 41 રન ઉમેર્યા. ત્રીજા નંબરે બેટિંગ કરતી અનુષ્કા શર્માએ પછી 30 બોલમાં 44 રન બનાવ્યા હતા. કેપ્ટન એશ્લે ગાર્ડનરે કપ્તાની પારી રમી અને 41 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું. તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લે જ્યોર્જિયા વેરહેમે 10 બોલમાં 27 રન બનાવ્યા, જ્યારે ભારતી ફુલમાલીએ 7 બોલમાં 14 રન બનાવ્યા હતા. યુપી તરફથી સોફી એક્લેસ્ટોને 2 વિકેટ લીધી, જ્યારે શિખા પાંડે અને ડિઆન્ડ્રા ડોટિને 1-1 વિકેટ લીધી હતી.
લિચફિલ્ડની ઈનિંગ વ્યર્થ ગઈ
208 રનનો ટાર્ગેટ ચેઝ કરતા યુપીને 3 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો, જ્યારે કિરણ નવગિરે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ મેગ લેનિંગ અને ફોબી લિચફિલ્ડ વચ્ચે 70 રનની પાર્ટનરશિપ થઈ. લેનિંગે 27 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી હરલીન દેઓલ શૂન્ય અને દીપ્તિ શર્મા એક રન બનાવીને આઉટ થઈ. ટીમને પાંચમો ઝટકો શ્વેતા સેહરાવતના રૂપમાં લાગ્યો, તે 17 બોલમાં 25 રન બનાવીને આઉટ થઈ. આ મેચમાં યુપી તરફથી ફોબી લિચફિલ્ડે 40 બોલમાં 78 રન બનાવ્યા. તે ટીમની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. છેલ્લે આશા શોબાનાએ તેની ટીમને જીત અપાવવા માટે ઝડપથી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગઈ. આશાએ 270ના સ્ટ્રાઇક રેટથી 10 બોલમાં 27 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગમાં રેણુકા સિંહ ઠાકુર, સોફી ડિવાઈન અને જ્યોર્જિયા વેરહેમે 2-2 વિકેટ લીધી હતી.

