વિરાટ-રોહિતના ODI ભવિષ્ય અંગે ગૌતમ ગંભીરે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- 'યુવા ખેલાડીઓ તેમનું સ્થાન...'

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની 3 મેચની ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુંહતું. વિરાટ કોહલીએ બે સદી અને એક અડધી સદી ફટકારી, જ્યારે રોહિત શર્માએ પણ બે વાર 50નો આંકડો પાર કર્યો હતી. હવે એવું લાગે છે કે રોહિત અને વિરાટ ચોક્કસપણે 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. જોકે, હેડ કોચ ગૌતમ ગંભીર હજુ પણ તેમના સ્થાન વિશે અનિશ્ચિત છે, કારણ કે ટુર્નામેન્ટ હજુ લગભગ બે વર્ષ દૂર છે.
ગૌતમ ગંભીરે આશ્ચર્યજનક નિવેદન આપ્યું
ODI સિરીઝ સમાપ્ત થયા પછી ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો. તેને 2027ના વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેમના ભવિષ્ય વિશે બોલતા, ટીમ ઈન્ડિયાના હેડ કોચે કહ્યું, "સૌ પ્રથમ, તમારે સમજવું પડશે કે 2027નો ODI વર્લ્ડ કપ હજુ બે વર્ષ દૂર છે. અત્યારે, આપણે વર્તમાનમાં રહેવાની જરૂર છે અને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે યુવા ખેલાડીઓ તેમનું સ્થાન લેવા માટે ટીમમાં આવી રહ્યા છે."
ગંભીરે વિરાટ અને રોહિતની પ્રશંસા કરી
ગૌતમ ગંભીરને ભલે વર્લ્ડ કપમાં વિરાટ અને રોહિત રમવા અંગે વિશ્વાસ ન હોય, પરંતુ તેણે તેમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, "વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે. તેમનો અનુભવ ડ્રેસિંગ રૂમ માટે મહત્ત્વપૂર્ણ છે. તેઓ લાંબા સમયથી રમી રહ્યા છે. આશા છે કે, તેઓ આમ કરવાનું ચાલુ રાખશે, જે ચોક્કસપણે ODIમાં ટીમ માટે ફાયદાકારક રહેશે."
ODI સિરીઝમાં રોહિત અને વિરાટનું પ્રદર્શન કેવું રહ્યું?
સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ઘણી સારી સાબિત થઈ. વિરાટ કોહલીએ ત્રણ મેચમાં 151ની એવરેજથી 302 રન બનાવ્યા હતા. તેણે 117.05ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં 24 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા. રોહિત શર્માએ 3 મેચમાં 146 રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેની એવરેજ 48.67 હતી અને તેણે સિરીઝમાં 15 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

