મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વધુ એક ભારતીય ખેલાડીના થશે છૂટાછેડા! એક કરોડ અને ફોર્ચ્યુનર કારને કારણે લગ્ન જીવન બગડ્યું

હરિયાણાની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાના

વધુ એક ભારતીય ખેલાડીના થશે છૂટાછેડા! એક કરોડ અને ફોર્ચ્યુનર કારને કારણે લગ્ન જીવન બગડ્યું

હરિયાણાની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાના લગ્ન તૂટવાના આરે છે.  સ્વીટી બૂરા દહેજ ઉત્પીડનનો ભોગ બની છે. બૂરાનો આરોપ છે કે, હુડ્ડાએ ફોર્ચ્યુનર અને 1 કરોડ રૂપિયાની માગ કરી છે. બીજી તરફ હુડ્ડાએ સ્વીટી અને તેના પરિવાર પર પોતાની મિલકત હડપવાનો અને તેને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. બંનેએ રોહતક અને હિસાર પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બૂરાએ કોર્ટમાં ખર્ચ અને ડિવોર્સનો કેસ પણ દાખલ કરી દીધો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તાજેતરમાં જ બૂરાને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં હુડ્ડાને પણ અર્જૂન એવોર્ડ મળ્યો હતો. 

મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકી

હિસારના એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું કે, હુડ્ડાને નોટિસ આપીને તપાસમાં જોડાવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન આવ્યા. હિસાર પોલીસને આપેલી ફરિયાદમાં બૂરાએ જણાવ્યું કે, મારા લગ્ન 7 જુલાઈ, 2022ના રોજ હુડ્ડા સાથે થયા હતા. માતા-પિતાએ લગ્નમાં 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. 4 દિવસ પહેલા દીપક અને તેની બહેને ફોર્ચ્યુનર કાર માગી અને મારા પર રમત છોડી દેવા માટે દબાણ કર્યું. 

હુડ્ડાએ 2024માં મહમથી વિધાનસભા ચૂંટણી લડી હતી, જેમાં પરિવારે તેમને 1 કરોડ રૂપિયા લાવવા કહ્યું હતું. ઓક્ટોબર 2024માં બૂરાને માર મારવામાં આવ્યો અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેમણે કોર્ટમાં છૂટાછેડા અને ખર્ચ માટે કેસ દાખલ કર્યો છે અને 50 લાખ રૂપિયાનું વળતર અને દોઢ લાખ રૂપિયાના માસિક ખર્ચની માગ કરી છે.

દીપક હુડ્ડાએ પૈસા ઠગવાનો લગાવ્યો આરોપ

બીજી તરફ  હુડ્ડાએ રોહતક પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, બૂરાના માતા-પિતા વ્યાજ પર પૈસા આપવાના બહાને મારી સાથે છેતરપિંડી કરતા હતા. તે લગ્ન તોડી નાખવાની ધમકી આપતી હતી. તે ઘર તોડવા માંગે છે અને હું સમાધાન કરવાના પક્ષમાં છું.

દીપકના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધા

બૂરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી દીપકના ફોટા પણ હટાવી દીધા છે. બંનેના લગ્ન 7 જુલાઈ 2022ના રોજ થયા હતા. ફેબ્રુઆરીમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા બૂરા અને તેનો પતિ હુડ્ડા રોહતકમાં ભાજપમાં જોડાયા હતા. હુડ્ડા મહમ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો અને બૂરા પણ બરવાલા બેઠક પરથી ટિકિટ માગી રહી હતી, પરંતુ ભાજપે તેને ઉમેદવાર નહોતી બનાવી. 

આ સમાચાર શેર કરો