'આખી સિઝન રમો નહીંતર...', વિદેશી ખેલાડીઓ IPL અધવચ્ચે જ છોડી દેતા ગુસ્સે થયો ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ IPL 2024 છોડીને વતન પરત ફર્યા છે. ઈંગ્લેન્ડની ટીમ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ IPL 2024 છોડીને વતન પરત ફર્યા છે. ઈંગ્લેન્ડની ટીમ હવે T20 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. આ પહેલા 22 મેથી ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલ સિરીઝ રમશે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને ઈંગ્લિશ ખેલાડીઓનું આ વલણ પસંદ ન આવ્યું.
પઠાણે પોતાના સત્તાવાર X હેન્ડલ દ્વારા વિદેશી ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, વિલ જેક્સ, ફિલ સોલ્ટ અને રીસ ટોપલી વગેરે ઈંગ્લિશ ખેલાડીઓ વતન પરત ફર્યા છે. જોની બેરસ્ટો અને સેમ કરન પણ ટૂંક સમયમાં પરત ફરશે. આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા ઈરફાન પઠાણે એક પોસ્ટ લખી કે, "કાં તો આખી સીઝન માટે ઉપલબ્ધ રહો, અથવા આવો જ નહીં."
તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ દક્ષિણ આફ્રિકા રવાના થયો છે. રબાડા બીમાર છે અને તે T20 વર્લ્ડ કપ 2024 પહેલા સાજા થવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો
રાજસ્થાન રોયલ્સને ટીમમાં સ્ટાર ખેલાડીઓ ન હોવાના કારણે નુકસાન થયું હતું. પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો અનુભવી ઓપનર જોસ બટલર ઉપલબ્ધ નહોતો. રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ સામે 7 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સનો આ સતત ચોથો પરાજય હતો.
IPL 2024માં બટલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 11 મેચમાં 39.89ની એવરેજથી 359 રન બનાવ્યા હતા. જેમાં બે સદીનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, પરંતુ તેઓ તેમના વિકેટકીપર બેટ્સમેનની ખોટ અનુભવશે. નોંધનીય છે કે RCBના બે ખેલાડીઓ વિલ જેક્સ અને રીસ ટોપલી પણ પરત ફર્યા છે, તેથી જોવાનું એ રહે છે કે પ્લેઓફમાં પહોંચવામાં આ ફ્રેન્ચાઈઝીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે.








