LSG vs DC / ડેબ્યુ મેચમાં મેકગર્ક છવાયો, પ્રથમ વખત ઘરઆંગણે હારી લખનૌ સુપર જાયન્ટ્સ
IPL 2024માં આ સિઝનની 26મી મેચ શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમા

IPL 2024માં આ સિઝનની 26મી મેચ શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીની આ જીતના હીરો હતા કુલદીપ યાદવ અને જેક ફ્રેઝર મેકગર્ક. કુલદીપે શાનદાર બોલીગ કરી હતી, તો મેકગર્કે બેટ વડે તોફાની ઈનિંગ્સ રમી હતી, પરિણામે લખનૌની ટીમ પ્રથમ વખત160થી વધુ રન બનાવીને પણ ઘરઆંગણે હારી ગઈ હતી.
કુલદીપ યાદવ ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, બાદમાં જેક ફ્રેઝર મેકગર્કે 35 બોલમાં 55 રન અને કેપ્ટન રિષભ પંતે 24 બોલમાં 41 રનની આક્રમક બેટિંગ કરી હતી, જેના આધારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના પરાજય ઘરઆંગણે હરાવીને તેની બીજી જીત નોંધાવી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા મેકગર્કે કેપ્ટન રિષભ પંત સાથે ત્રીજી વિકેટ માટે 46 બોલમાં 77 રનની પાર્ટનરશિપ કરી હતી, જેમાં પંતે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના 22 વર્ષના મેકગર્કે પાંચ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.
લખનૌની ટીમને સાત વિકેટે 167 રનમાં રોક્યા બાદ દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. લખનૌ તરફથી રવિ બિશ્નોઈએ 2 જ્યારે નવીન ઉલ હક અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. લખનૌ તરફથી આયુષ બદોનીએ આઠમી વિકેટ માટે અરશદ ખાન સાથે 42 બોલમાં 73 રનની પાર્ટનરશિપ કરી હતી. બદોની અને અરશદની આ પાર્ટનરશિપ IPLના ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે.
લખનૌની ટીમ કુલદીપ યાદવની શાનદાર બોલિંગ સામે સંઘર્ષ કરી રહી હતી, તેણે 13 ઓવર પછી 94 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બદોની અને અરશદે મળીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. લખનૌમાં 160થી વધુ રન ચેઝ કરનારી દિલ્હી IPLની પ્રથમ ટીમ બની ગઈ છે.






