Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : FIFA world cup 2026 USA vs Paraguay Canada vs Bosnia match

VIDEO: FIFA વર્લ્ડ કપમાં USAની શાનદાર શરૂઆત, પરાગ્વે સામે 4-1થી મેળવી જીત; કેનેડાએ બોસ્નિયા સામે ડ્રો કરી મેચ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વૈશ્વિક ફૂટબોલના મહાકુંભ 'ફિફા વર્લ્ડ કપ 2026'ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સહ-યજમાન દેશોએ પોતાના ઘરઆંગણે ફેન્સને રોમાંચથી ભરી દીધા છે. કેલિફોર્નિયાના ઇન્ગલવુડ સ્થિત પ્રતિષ્ઠિત સોફી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ-Dની હાઈ-વોલ્ટેજ મેચમાં યજમાન અમેરિકાએ પરાગ્વેને 4-1ના મોટા અંતરથી હરાવીને ટુર્નામેન્ટમાં રણશિંગું ફૂંક્યું છે. બીજી તરફ, અન્ય સહ-યજમાન દેશ કેનેડાએ પણ જોરદાર વાપસી કરીને બોસ્નિયા-હર્ઝેગોવિના સામેની મેચ 1-1થી ડ્રો કરાવી મહત્ત્વનો એક પોઈન્ટ મેળવ્યો છે.

App Store

અમેરિકાનો વિજય શંખનાદ: બાલોગુન અને રેના ચમક્યા

વર્ષ 1994 પછી પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ રમી રહેલી યુએસએની ટીમ શરૂઆતથી જ વિસ્ફોટક મૂડમાં જોવા મળી હતી. અમેરિકાએ શરૂઆતથી જ આક્રમણ વધારીને પરાગ્વેને પ્રેશરમાં લાવી દીધું હતું.

પોતાનામાં ગોલથી ખૂલ્યું ખાતું: મેચની શરૂઆતમાં જ પરાગ્વેના ડિફેન્ડર ડેમિયન બોબાડિલાએ એક મોટી ભૂલ કરી પોતાનામાં જ ગોલ કરી દીધો હતો, જેના કારણે અમેરિકાને 1-0ની મફત લીડ મળી ગઈ.

બાલોગુનનો ડબલ ધમાકો: આ મેચનો અસલી હીરો ફોલારિન બાલોગુન રહ્યો હતો. 31મી મિનિટે કેપ્ટન ક્રિશ્ચિયન પુલિસિચના શાનદાર થ્રૂ પાસને બાલોગુને ગોલમાં ફેરવી સ્કોર 2-0 કર્યો. આ પહેલા તેનો એક ગોલ ઓફસાઈડ જાહેર થયો હતો. પ્રથમ હાફના ઇન્જરી ટાઈમમાં બાલોગુને માલિક ટિલમેનના પાસ પર બે ડિફેન્ડરોને હંફાવીને એક અદ્ભુત કર્લિંગ શોટ વડે બોલને ટોપ કોર્નરમાં મોકલી અમેરિકાને 3-0ની મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

પરાગ્વેનો વળતો પ્રહાર અને રેનાનો ફિનિશિંગ ટચ

બીજા હાફમાં પરાગ્વેએ લડત આપવાનો પ્રયાસ કર્યો. 73મી મિનિટે જુલિયો એન્સિસોના પાસ પર મૌરિસિયોએ ગોલ કરીને સ્કોર 3-1 કર્યો હતો. જોકે, સ્ટોપેજ ટાઈમમાં અમેરિકાના જિયો રેનાએ શાનદાર કાઉન્ટર અટેક કરીને બહારના પગથી ક્લાસિક શોટ મારી ચોથો ગોલ કર્યો અને અમેરિકાની 4-1થી જીત પાકી કરી દીધી.

આ મેચમાં ઈજા બાદ વાપસી કરી રહેલા ડિફેન્ડર ક્રિસ રિચર્ડ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેમજ ગોલકીપર મેટ ફ્રીઝને અનુભવી મેટ ટર્નરના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં મોકો મળ્યો હતો, જે સફળ સાબિત થયો. હવે અમેરિકાની આગામી ટક્કર 19 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.

કેનેડાએ હાર ટાળી: કાઇલ લારિને બચાવ્યો ડ્રો

ટોરોન્ટોમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની અન્ય એક રોમાંચક મેચમાં સહ-યજમાન કેનેડાએ બોસ્નિયા-હર્ઝેગોવિના સામે 1-1થી ડ્રો રમીને હારનું સંકટ ટાળ્યું હતું. મેચની 21મી મિનિટે જ બોસ્નિયાના જોવો લુકિચે શાનદાર હેડર વડે ગોલ કરીને કેનેડાને આંચકો આપ્યો હતો અને પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. કેનેડાની ટીમ લાંબા સમય સુધી ગોલ કરવા માટે સંઘર્ષ કરતી રહી.

સુપર સબ લારિનનો જાદુ: મેચના બીજા હાફમાં કોચનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. 76મી મિનિટે સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવેલા કાઇલ લારિને બે જ મિનિટ બાદ એટલે કે 78મી મિનિટે પ્રોમિસ ડેવિડના શાનદાર આસિસ્ટ પર ગોલ ફટકારી સ્ટેડિયમને ગૂંજવી દીધું હતું.

આ ગોલ કેનેડા માટે ઐતિહાસિક છે કારણ કે વર્લ્ડ કપના ઈતિહાસમાં કેનેડાનો આ માત્ર બીજો ગોલ છે (આ પહેલાં તેઓ 1986 અને 2022 વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શક્યા નહતા). આ રોમાંચક ડ્રો સાથે કેનેડાએ ટુર્નામેન્ટનો પોતાનો પ્રથમ પોઈન્ટ મેળવી મનોબળ મજબૂત કર્યું છે.