8 બોલમાં 5 વિકેટ... આ બોલરે રચ્યો ઈતિહાસ, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ફિનલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી મહેશ તાંબેએ એસ્ટોનિયા ક્રિકેટ ટીમ સામે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો રચ્યો. તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તાંબેએ મેચમાં માત્ર 2 ઓવરમાં 19 રન આપીને 5 વિકેટ લીધી. તેના પહેલા આ રેકોર્ડ બહેરીનના જુનૈદ અઝીઝના નામે હતો. તેણે 2022માં જર્મની સામે 10 બોલમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ તાંબેએ આ સિદ્ધિ તેનાથી પણ ઓછા બોલમાં મેળવી છે.
રવિવારે ફિનલેન્ડ અને એસ્ટોનિયા વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં પ્રથમ બોલિંગ કરતા, એસ્ટોનિયાએ 19.4 ઓવરમાં 141 રન બનાવ્યા હતા. એક સમયે એસ્ટોનિયા સારી સ્થિતિમાં હતું, તેણેસે 14.3 ઓવરમાં 104 રન બનાવ્યા હતા અને 8 વિકેટ હાથમાં હતી. ત્યારબાદ બિલાલ મસૂદના રૂપમાં ત્રીજી વિકેટ પડી અને પછી વિકેટ પડતી રહી. મહેશ તાંબે ઉપરાંત, જુનૈદ ખાને 2 વિકેટ અને અમજદ શેર, અખિલ અર્જુનમ અને માધવે 1-1 વિકેટ લીધી હતી.
મહેશ તાંબેએ 8 બોલમાં 5 વિકેટ લીધી
તાંબેએ 8 બોલમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે, તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે સ્ટેફન ગોચ, સાહિલ ચૌહાણ, મોહમ્મદ ઉસ્માન, રૂપમ બરુઆ અને પ્રણય ઘીવાલાને આઉટ કર્યા હતા.
ફિનલેન્ડે 5 વિકેટથી મેચ જીતી
ફિનલેન્ડની ટીમે 18.1 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો અને 5 વિકેટથી જીત મેળવી. અરવિંદ મોહને 60 બોલમાં અણનમ 67 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી, આ ઈનિંગમાં તેણે 1 છગ્ગો અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ 3 મેચની T20 સિરીઝની નિર્ણાયક મેચ હતી, જેને જીતીને ફિનલેન્ડે 2-1થી સિરીઝ જીતી લીધી.
39 વર્ષીય મહેશ તાંબેએ 2021માં ફિનલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 28 વિકેટ ઝડપી છે. રવિવારે, તાંબેએ તેની T20 કારકિર્દીમાં પહેલીવાર 5 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો.

