IND vs ENG / ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે જાહેર કરી પ્લેઈંગ ઈલેવન, 8 વર્ષ બાદ થઈ આ ખેલાડીની વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. છેલ્લી મેચની તુલનામાં, ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ઈજાને કારણે આ સિરીઝમાંથી બહાર થયેલા ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરને બદલે લિયામ ડોસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. ડોસન 8 વર્ષ પછી ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી રહ્યો છે.
બશીર લોર્ડ્સની ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો
ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. લોર્ડ્સમાં રમાયેલી રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે 22 રનથી જીત મેળવી હતી. તે મેચમાં, ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરને આંગળીમાં ઈજા થઈ હતી. બશીર સિરીઝમાંથી બહાર થયા બાદ, ડોસનને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનમાં વધારે ફેરફાર નથી કર્યા.
લિયામ ડોસને ઈંગ્લેન્ડ માટે આટલી ટેસ્ટ મેચ રમી છે
35 વર્ષીય લિયામ ડોસન ઈંગ્લેન્ડ માટે કુલ 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 7 વિકેટ છે. તેણે 2017માં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારથી તે ઈંગ્લેન્ડની ટીમથી બહાર હતો. હવે તેને ફરીતક મળી છે.
ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ટેસ્ટ સિરીઝમાં આગળ છે
ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો, પહેલી મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. બેન સ્ટોક્સની ટીમે તે મેચ પાંચ વિકેટથી જીતી હતી. આ પછી, બર્મિંઘમમાં રમાયેલી બીજી મેચમાં, ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને ઈંગ્લેન્ડ ટીમને 336 રનથી હરાવી. લોર્ડ્સમાં, ઈંગ્લેન્ડે ફરી જીત મેળવી અને સિરીઝમાં લીડ મેળવી. આવી સ્થિતિમાં, ફેન્સ માન્ચેસ્ટરમાં રમાનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ બરાબર કરવા માંગશે. જ્યારે ઈંગ્લેન્ડ આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માંગશે.

