આઠ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન એલિસા હીલીએ જાહેર કરી નિવૃત્તિ, પતિની પહેલા રમતને કહેશે અલવિદા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ તેની મહાન મહિલા ખેલાડીઓમાંથી એકને વિદાય આપવા જઈ રહ્યું છે. ભારત સામે કાંગારૂઓની હોમ સિરીઝ પછી 15 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત લાવતા એલિસા હીલી માર્ચ 2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. 20 વર્ષની ઉંમરે ડેબ્યુ કરનાર 35 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની મહત્ત્વપૂર્ણ ખેલાડી રહી છે.
295 આંતરરાષ્ટ્રીય મેચ રમી
અત્યાર સુધી 295 આંતરરાષ્ટ્રીય મેચોમાં એલિસા હીલીએ 7,000થી વધુ રન બનાવ્યા અને 275 ડિસમિસલ કર્યા. હીલીએ મંગળવાર 13 જાન્યુઆરી, 2026ના રોજ કહ્યું, "મિશ્ર લાગણીઓ સાથે આગામી ભારત સિરીઝ ઓસ્ટ્રેલિયા માટે મારી છેલ્લી હશે. મને હજુ પણ ઓસ્ટ્રેલિયા માટે રમવાનો જુસ્સો છે, પરંતુ મેં શરૂઆતથી જ મને પ્રેરિત કરતી સ્પર્ધાત્મક ધાર ગુમાવી દીધી છે. મને લાગે છે કે આ યોગ્ય સમય છે."
ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી મેચ ક્યારે રમશે?
મેગ લેનિંગના ગયા પછી 2023માં ઓસ્ટ્રેલિયાની પૂર્ણ-સમયની કેપ્ટન બનેલી હીલીએ પોતાનો અધિકાર સ્થાપિત કરવામાં કોઈ નહતો સમય લીધો. તે ટીમને ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક 16-0થી વ્હાઈટવોશ તરફ દોરી ગઈ હતી. તેને મહિલા ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેન અને ઉત્તમ કીપર્સમાંથી એક માનવામાં આવે છે. તેનું છેલ્લું આંતરરાષ્ટ્રીય અસાઈનમેન્ટ ODI સિરીઝ અને ભારત સામે એક ટેસ્ટ મેચ હશે, જે ફેબ્રુઆરી-માર્ચ પ્રવાસનો ભાગ છે. તેમાં T20I પણ શામેલ છે, જે હીલી નહીં રમે.
8 વખતની વર્લ્ડ ચેમ્પિયન
એલિસા હીલીએ બંને ફોર્મેટમાં આઠ વખત વર્લ્ડ કપ જીત્યો છે. તે 2010, 2012, 2014, 2018, 2020 અને 2023 T20 વર્લ્ડ કપ તેમજ 2013 અને 2022 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ચેમ્પિયન ટીમનો ભાગ હતી.
પતિ પહેલા નિવૃત્તિ
એલિસા હીલીનો પતિ મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના સૌથી મૂલ્યવાન ક્રિકેટર્સમાંથી એક છે. તેણે તાજેતરમાં એશિઝ સિરીઝમાં પોતાની ઉત્તમ બોલિંગથી દિલ જીતી લીધા હતા. સ્ટાર્કે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત નથી કરી.
આગળ શું?
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે તેના વારસાની પ્રશંસા કરી. તેણે કહ્યું, "એલિસા રમતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક છે અને તેણે મેદાન પર અને મેદાનની બહાર જબરદસ્ત યોગદાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ દિગ્ગજ ઈયાન હીલીની ભત્રીજી, એલિસાએ બ્રોડકાસ્ટિંગમાં પણ પગલા માંડ્યા છે, તાજેતરમાં તે મેન્સ એશિઝ સિરીઝ દરમિયાન કોમેન્ટ્રીમાં દેખાઈ હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે નિવૃત્તિ પછી મીડિયામાં આ કામ ચાલુ રાખશે.

