ધ્રુવ જુરેલે તેના પરિવાર સાથે સેલિબ્રેટ કરી પહેલી IPL ફિફ્ટી, VIDEO જોઈ ફેન્સે કર્યા વખાણ
રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શનિવારે IPL 2024ની 44મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે

રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શનિવારે IPL 2024ની 44મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે IPL કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જુરેલે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા.
23 વર્ષીય જુરેલે કેપ્ટન સંજુ સેમસન (71*) સાથે ચોથી વિકેટ માટે 121 રનની અણનમ ભાગીદારી કરી હતી, જેની મદદથી રાજસ્થાન રોયલ્સે 6 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
પરિવાર સાથે સેલિબ્રેટ કરી પહેલી IPL ફિફ્ટી
ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સ માટે તેની 22મી મેચ રમી અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર અડધી સદી રમી. આ ક્ષણને ખાસ બનાવવા માટે ધ્રુવ જુરેલનો પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. મેચ પછી, જુરેલ સ્ટેડિયમની અંદર તેના પરિવારને મળ્યો અને તેની પહેલી IPL ફિફ્ટી સેલિબ્રેટ કરી. જુરેલનો તેના પરિવાર સાથેના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
સેલ્યુટ સેલિબ્રેશન
જ્યારે ધ્રુવ જુરેલે તેની પહેલી IPL ફિફ્ટી પૂરી કરી ત્યારે તેણે તેના પિતાને સલામ કરીને માન આપ્યું. જુરેલના પિતા આર્મીમાં ફરજ બજાવે છે. સેલ્યુટ સેલિબ્રેશન વિશે વાત કરતી વખતે, જુરેલે કહ્યું, "હું હંમેશા મારા પિતા માટે રમું છું. મેં ટેસ્ટ મેચ દરમિયાન પણ આવું કર્યું હતું. ત્યારે તેઓ સેનામાં હતા. આજે તેઓ અહીં છે. સેલ્યુટ સેલિબ્રેશન તેમના માટે હતું,"
રાજસ્થાન રોયલ્સનો આસાન વિજય
IPL 2024ની 44મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારીને ભારતીય પસંદગીકારો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે, જેમણે આગામી થોડા દિવસોમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવાની છે.








