IPL 2026 / રિટેન્શન લિસ્ટ આવ્યા પહેલા CSKએ લીધો મોટો નિર્ણય, આ ખેલાડીને કર્યો રિલીઝ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન 2026 માં રમાશે, પરંતુ તે પહેલા મિની ઓક્શન યોજાશે. તમામ ફ્રેન્ચાઈઝીઓ 15 નવેમ્બરના રોજ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે અને 16 ડિસેમ્બરે ઓક્શન યોજાશે. રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર થાય તે પહેલા જ કેટલાક ખેલાડીઓ એક ટીમથી બીજી ટીમમાં ટ્રેડ થઈ ચૂક્યા છે, ત્યારે પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે, જે ઘણી સીઝનથી ફ્રેન્ચાઇઝીનો ભાગ રહ્યો છે, તેને મિની ઓક્શન પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે.
ડેવોન કોનવેએ પોતે એક પોસ્ટમાં આ ખુલાસો કર્યો છે
IPL 2026 માટે રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ 15 નવેમ્બરની સાંજે જાહેર કરવામાં આવશે, પરંતુ CSKના ઓપનર ડેવોન કોનવેએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે તેને ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. ડેવોન કોનવેએ 2022માં CSK માટે તેની પહેલી IPL સિઝન રમી હતી, તે ત્રણ સિઝન માટે ટીમનો ભાગ રહ્યો છે. કોનવેએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું, "CSKના તમામ ફેન્સનો 3 વર્ષના અદ્ભુત સમર્થન માટે આભાર." કોનવે વિશે વાત કરીએ તો, 2022માં તેની IPL ડેબ્યુ સિઝનમાં, તેણે 7 ઈનિંગ્સમાં 42ની એવરેજથી કુલ 252 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 2023ની સિઝનમાં કોનવેનું બેટિંગ પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તેણે 15 ઈનિંગ્સમાં 51.69ની એવરેજથી 672 રન બનાવ્યા હતા.
ડેવોન કોનવે 2024માં IPLનો ભાગ નહતો અને CSKએ તેને 2025ની સિઝનની મેગા ઓક્શનમાં 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, આ વખતે તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. કોનવે 6 ઈનિંગ્સમાં 26ની એવરેજથી માત્ર 156 રન બનાવી શક્યો હતો. તેના પ્રદર્શનને જોતાં, CSKએ તેને આગામી સિઝન પહેલા રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
CSK આ ખેલાડીઓને પણ રિલીઝ કરી શકે છે
મિની ઓક્શન પહેલા CSK ડેવોન કોનવે ઉપરાંત અન્ય ઘણા ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લઈ શકે છે, જેમાં ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર સૌથી આગળ છે. આ લિસ્ટમાં રાહુલ ત્રિપાઠી, દીપક હુડા અને વિજય શંકરનો પણ સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓનું ગઈ સિઝનમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું, જેની અસર CSKના પ્રદર્શન પર પડી હતી.

