IND vs ENG / બીજી ટેસ્ટ પહેલા ક્રિસ વોક્સે પિચ અંગે મોટો કર્યો દાવો, શું એજબેસ્ટનમાં વધશે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ?
ભારત સામેની સિરીઝની પહેલી મેચમાં રનના વરસાદ બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલિંગ એટેકના સૌથી અનુભવી

ભારત સામેની સિરીઝની પહેલી મેચમાં રનના વરસાદ બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલિંગ એટેકના સૌથી અનુભવી સભ્ય ક્રિસ વોક્સ એજબેસ્ટનમાં બેટિંગ-ફ્રેન્ડલી પિચની અપેક્ષા રાખી રહ્યો છે. બીજી ટેસ્ટના એક દિવસ પહેલા એજબેસ્ટનની પિચ પર ઘણું ઘાસ છે પરંતુ અહીં ઉનાળા જેવી સ્થિતિ છે અને બુધવારે ટોસ પહેલા ઘાસ કાપી નાખવામાં આવશે.
વોક્સે શું કહ્યું?
વોક્સે કહ્યું, "અમે લીડ્સમાં 20 વિકેટ લઈને સારું પ્રદર્શન કર્યું. જ્યારે તેઓએ બેટથી રમત પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે અમે મેચમાં પાછા ફરવામાં સફળ રહ્યા. આ ખરેખર મહત્ત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે અમે એવી પિચ પર રમીશું જે બેટિંગ માટે સારી હશે." તેણે કહ્યું, "સારા હવામાનની આગાહીને જોતાં, બોલરો માટે આ બીજું મુશ્કેલ અઠવાડિયું હોઈ શકે છે. અમે ગયા અઠવાડિયે જે સારું કર્યું હતું તેના પર ધ્યાન આપીશું."
36 વર્ષીય ફાસ્ટ બોલરને લીડ્સમાં ફક્ત એક જ વિકેટ મળી હતી, પરંતુ માર્ક વુડ અને જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં, ટીમ તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. 58 ટેસ્ટ મેચ રમી ચૂકેલા વોક્સે કહ્યું, "મેં ઈંગ્લેન્ડ માટે જીમી (જેમ્સ એન્ડરસન) અને બ્રોડી (સ્ટુઅર્ટ બ્રોડ) સાથે ઘણી મેચ રમી છે. તેમના વિના રમવું એ એક અલગ અનુભવ છે." તેણે વધુમાં કહ્યું, "આ મારા માટે પણ એક મહાન તક છે અને જે યુવા ખેલાડીઓએ વધુ ટેસ્ટ ક્રિકેટ નથી રમી તેમને થોડું જ્ઞાન આપવું સારું છે."






