Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cheteshwar Pujara's outburst after India's defeat against South Africa

ટીમ ઈન્ડિયા કોલકાતા ટેસ્ટ હારતા હવે ચેતેશ્વર પૂજારાની પણ ધીરજ ખૂટી, કહ્યું- 'તે અસ્વીકાર્ય છે'

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયા કોલકાતા ટેસ્ટ હારતા હવે ચેતેશ્વર પૂજારાની પણ ધીરજ ખૂટી, કહ્યું- 'તે અસ્વીકાર્ય છે'
સોર્સ : GSTV

ચેતેશ્વર પૂજારાને ધીરજની મૂર્તિ કહેવામાં આવે છે, કારણ કે તેની રમવાની શૈલી જ આ પ્રકારની રહી છે. જોકે, ક્રિકેટરથી કોમેન્ટેટર બન્યા બાદ તેની ધીરજ એ સમયે ખૂટી ગઈ જ્યારે ભારતીય ટીમને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ 124 રનનો ટાર્ગેટ ચેઝ કરતા માત્ર 93 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ. આ હાર અંગે ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, આ હાર પચે એવી નથી અને અસ્વીકાર્ય છે.

App Store

'ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર'

જોકે, આ કોઈ રહસ્ય નથી કે, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ પછી ટીમ ફેરફારના સમયમાંથી પસાર થઈ રહી છે, પરંતુ 37 વર્ષીય પૂજારાએ આ ધારણાને નબળી ગણાવતા કહ્યું કે, "ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું ભારતે ઘરઆંગણે તો મેચ ન જ હારવી જોઈએ. હું આ સાથે સહમત નથી. ફેરફારોને કારણે ભારતીય ટીમ ભારતમાં હારે તે અસ્વીકાર્ય છે."

'કંઈક તો ગરબડ છે'

પૂજારાએ આગળ કહ્યું કે, "ભારત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્જિશન ફેઝના કારણે હારી ગયું, જે હજુ પણ સ્વીકાર્ય છે, પરંતુ ભારત પાસે જે પ્રતિભા અને ક્ષમતા છે, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલના ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ જુઓ. આ ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ હોવા છતાં, જો આપણે ભારતમાં હારી જઈએ તો તેનો અર્થ એ કે કંઈક તો ગરબડ છે." જોકે, પૂજારાએ કહ્યું કે, "ભારતની ટર્નિંગ પિચ પર વધુ પડતી નિર્ભરતાને કારણે તેને કોલકાતા મેચમાં હારનો સામનો કરવો પડ્યો."

લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટર રમેલા પૂજારાએ જણાવ્યું કે, "જો મેચ સારી વિકેટ પર રમાઈ હોત, તો ભારત પાસે જીતવાની શક્યતા વધુ હોત. તમે ટેસ્ટ મેચોને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? કઈ વિકેટ પર તમારી જીતની ટકાવારી વધારે હશે? આવી વિકેટો પર તે ટકાવારી ઘટી જાય છે અને વિરોધી ટીમ તમારા બરાબર થઈ જાય છે. આ હારથી એ ઘા પણ તાજા થઈ ગયા જે ગત વર્ષે આ જ દિવસોમાં ન્યુઝીલેન્ડે ભારતને 3-0થી આપેલી હાર બાદ મળ્યા હતા."