ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચ્યો કાર્લોસ અલ્કારાઝ, એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને તોડ્યો આ રેકોર્ડ

ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ માટે શુક્રવારનો દિવસ ખાસ હતો. એક વર્ષ પહેલા સ્પેનના આ યુવા ખેલાડીએ ફ્રેન્ચ ઓપન ફાઈનલમાં યાનિક સિનર સામે 5 કલાક 29 મિનિટના ઐતિહાસિક મુકાબલામાં ટાઈટલ જીત્યું હતું. હવે 2026માં અલ્કારાઝ પહેલી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચ્યો છે.
સાતમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા માંગતા અલ્કારાઝે મેન્સ સિંગલ્સની સેમીફાઈનલમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-4, 7-6, 6-7, 6-7, 7-5થી હરાવ્યો હતો. આ મેચ 5 કલાક અને 27 મિનિટ ચાલી હતી અને તેને આધુનિક ટેનિસ ઈતિહાસમાં સૌથી યાદગાર મેચોમાં ગણવામાં આવશે.
માત્ર 22 વર્ષની ઉંમરે અલ્કારાઝ ઓપન એરામાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બની ગયો. તેણે 1993માં જીમ કુરિયર દ્વારા બનાવવામાં આવેલો રેકોર્ડ તોડ્યો છે. વધુમાં આ જીતે પહેલા બે સેટ જીત્યા પછી ક્યારેય મેચ હારવાનો તેનો પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ તેનું ફોકસ અને માનસિક શક્તિ દર્શાવે છે.
શરૂઆતથી જ અલ્કારાઝનો દબદબો રહ્યો
મેચની શરૂઆતમાં અલ્કારાઝ સંપૂર્ણપણે પ્રભાવશાળી દેખાતો હતો, તેણે પહેલા બે સેટ જીતીને મેચ પણ કાબુ મેળવ્યો હતો. જોકે, ઝ્વેરેવે જોરદાર વાપસી કરી અને સ્પેનિશ ખેલાડીની પરીક્ષા લેવાનું શરૂ કર્યું. બીજા સેટથી અલ્કારાઝને ખેંચાણની સમસ્યાનો સામનો કરવો પડ્યો, જે તેના અભિયાનને જોખમમાં મૂકતું હોય તેવું લાગતું હતું. જ્યારે ઝ્વેરેવે મેચમાં વાપસી કરી.
પરંતુ પાંચમા સેટની અંતિમ ક્ષણોમાં અલ્કારાઝે અદ્ભુત હિંમત અને માનસિક શક્તિ દર્શાવી અને દબાણ હેઠળ શાનદાર શોટ્સ રમતા મેચ જીતી લીધી.
મેચ પછી અલ્કારાઝે શું કહ્યું?
મેચ પછી અલ્કારાઝે કહ્યું, "હું હંમેશા કહું છું કે ગમે તે પરિસ્થિતિ હોય, તમારે તમારા પર વિશ્વાસ રાખવો જોઈએ. હું ત્રીજા સેટની મધ્યમાં શારીરિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. તે મારી ટૂંકી કારકિર્દીની સૌથી મુશ્કેલ મેચોમાંની એક હતી. પરંતુ હું પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં રહ્યો છું. હું અંત સુધી લડ્યો."
ઝ્વેરેવ માટે આ હાર અત્યંત પીડાદાયક હતી. તેણે પોતાની કારકિર્દીની સૌથી લાંબી મેચ રમી, પરંતુ જીતથી ફક્ત એક ડગલું દૂર રહી ગયો.

