ડિલીટ, હેક કે Technical Glitch? Virat Kohliનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતા ફેન્સમાં હાશકારો

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર મોટો હલચલ મચાવી દીધી હતી. 27 કરોડ (270 મિલિયન) થી વધુ ફોલોઅર્સ ધરાવતા કોહલીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ જતાં વિશ્વભરના કરોડો ફેન્સમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, થોડા કલાકોના સસ્પેન્સ બાદ હવે આ એકાઉન્ટ ફરીથી એક્ટિવ થઈ ગયું છે.
શુક્રવારની સવાર અને ફેન્સની બેચેની
શુક્રવારે સવારે જ્યારે ફેન્સે વિરાટ કોહલીની પ્રોફાઇલ સર્ચ કરી, ત્યારે તેમને 'User not found' નો મેસેજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ફેન્સમાં એવી ચર્ચા શરૂ થઈ કે શું કોહલીએ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવા માટે એકાઉન્ટ ડિલીટ કર્યું છે? કેટલાક યુઝર્સે એકાઉન્ટ હેક થયાની આશંકા પણ વ્યક્ત કરી હતી. સ્થિતિ એવી સર્જાઈ કે ફેન્સે વિરાટ વિશે જાણવા માટે તેની પત્ની અનુષ્કા શર્માની પોસ્ટ પર કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.
વિકાસ કોહલીનું એકાઉન્ટ પણ ગાયબ: રહસ્ય ઘેરાયું
આ ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ સર્ચમાં દેખાવાનું બંધ થઈ ગયું. તેમના પ્રોફાઇલ પર પણ 'Profile isn’t available' દેખાતું હતું. એકસાથે પરિવારના બે સભ્યોના એકાઉન્ટ ગાયબ થતા ફેન્સમાં હેકિંગની આશંકા પ્રબળ બની હતી.
એક્સ (X) પર એક્ટિવ હતા કોહલી
ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ હોવા છતાં, વિરાટ કોહલી તેમના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક્ટિવ જોવા મળ્યા હતા. આનાથી સ્પષ્ટ થયું કે આ કોઈ પ્લેટફોર્મ-સ્પેસિફિક સમસ્યા અથવા ડિજિટલ ડિટોક્સનો પ્રયાસ હોઈ શકે છે.

મેદાન પર કિંગ કોહલીનું ફોર્મ અને આગામી મિશન
વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ તેઓ હાલ લંડનમાં છે. 4 મહિનાના બ્રેક બાદ કોહલીએ 9 વનડેમાં 3 સદી સાથે 616 રન ફટકાર્યા છે. તેઓ ફરી એકવાર ICC વનડે બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચ્યા હતા, જોકે હાલ ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ તેમની આગળ નીકળી ગયા છે. હવે ફેન્સની નજર IPL 2026 પર છે, જ્યાં કોહલી RCB તરફથી ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
શું હતું કારણ?
અત્યાર સુધી વિરાટ કોહલી અથવા તેમની ટીમે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તે કોઈ 'ટેકનિકલ ગ્લિચ' હતી, હેકિંગનો પ્રયાસ હતો કે પછી કોઈ બ્રાન્ડ પ્રમોશનનો ભાગ (Marketing Gimmick), તે હજુ રહસ્ય છે. પરંતુ એકાઉન્ટ પરત આવતા ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

