ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ BCCI એ ભર્યું મોટું પગલું, ખેલાડીઓ માટે જારી કર્યા 10 કડક નિયમો
ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હ

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો, આ પછી ઘણા ખેલાડીઓના ફોર્મ અને તેમની અનુશાસનહીનતા અંગે સતત સમાચાર આવી રહ્યા હતા. આ પ્રવાસમાં ટીમના નબળા પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી, BCCI એ હવે કડક નિર્ણય લીધો છે અને 10 નવા નિયમો લાગુ કર્યા છે. આમાં, બધા ખેલાડીઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, અને કોઈપણ ખેલાડી વિદેશી પ્રવાસ પર પોતાના અંગત સ્ટાફને સાથે નહીં લઈ જઈ શકે. BCCIએ આ નવા નિયમો અંગે સ્પષ્ટતા પણ કરી છે કે જો કોઈ ખેલાડી આ સૂચનાઓનું પાલન નહીં કરે તો તેને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આમાં તેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ફીમાં ઘટાડો અને IPLમાં રમવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 8 વર્ષ પછી થઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફીની વાપસી, પાકિસ્તાનને સોપાઈ યજમાની, અહીં જાણો ટૂર્નામેન્ટની દરેક વિગત
પત્ની કે પરિવારને વિદેશ પ્રવાસ પર ફક્ત 2 અઠવાડિયા માટે જ રહેવાની મંજૂરી મળશે
ટીમ ઈન્ડિયાના વિદેશ પ્રવાસ દરમિયાન, ખેલાડીઓના પરિવારો અથવા પત્નીઓને ફક્ત 2 અઠવાડિયા માટે ટીમ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, વ્યક્તિગત સ્ટાફને સાથે લઈ જવા માટે કોઈ છૂટ નહીં મળે. આ નિયમો કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ ખેલાડીઓને લાગુ પડશે. આ ઉપરાંત, પ્રવાસ દરમિયાન કોઈપણ ખેલાડીને તેના પરિવાર સાથે અલગથી મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે ટીમ સાથે હોટેલથી સ્ટેડિયમ સુધી પ્રેક્ટિસ સેશન તેમજ મેચના દિવસોમાં મુસાફરી કરશે.
બધા ખેલાડીઓ માટે ઘરેલું મેચોમાં રમવું ફરજિયાત
BCCIની નવી માર્ગદર્શિકા મુજબ, ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી મેળવવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રહેવા માટે ઘરેલું મેચોમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આનાથી, બધા ખેલાડીઓ તેમની મેચ ફિટનેસ જાળવી શકશે અને તેમની રમતને પણ મજબૂત બનાવી શકશે. આ ઉપરાંત, યુવા ખેલાડીઓને પણ તેમની પાસેથી ઘણું શીખવાની તક મળશે. આ નિયમમાંથી મુક્તિ ફક્ત કેટલાક ખાસ કારણોસર આપવામાં આવશે, જેના માટે હેડ કોચ અને પસંદગી સમિતિના અધ્યક્ષ પાસેથી મંજૂરી લેવી પડશે.
બધા ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપવી પડશે
હવે પ્રેક્ટિસ સેશન દરમિયાન, બધા ખેલાડીઓએ નિર્ધારિત પ્રેક્ટિસ સેશનના સમગ્ર સમયગાળા માટે ત્યાં જ રહેવું પડશે. આ નિયમ હેઠળ, હવે કોઈપણ ખેલાડી પ્રેક્ટિસ પૂર્ણ કર્યા પછી મેદાન છોડી શકશે નહીં.
વધારાનો સામાન લઈ જવાની છૂટ નહીં મળે
હવે, બધા ખેલાડીઓને દેશમાં અથવા વિદેશીમાં સિરીઝ દરમિયાન વધારાનો સામાન લઈ જવાની મંજૂરી નહીં આપવામાં આવે, તેના માટે તેમણે BCCI દ્વારા નિર્ધારિત મર્યાદાનું પાલન કરવું પડશે. જો કોઈ ખેલાડી વધારાનો સામાન લઈ જાય છે, તો તેણે પોતે ખર્ચ ઉઠાવવો પડશે.
વ્યક્તિગત સ્ટાફ લઈ જવા પર પ્રતિબંધ
ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ વિશે એવા અહેવાલો હતા કે તેઓ તેમના અંગત સ્ટાફને તેમની સાથે લઈ જાય છે, હવે BCCI એ આના પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેમણે વ્યક્તિગત મેનેજર, કુક, સહાયક અને વ્યક્તિગત સુરક્ષા કર્મચારીઓને તેમની સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સેન્ટર ઓફ એક્સેલન્સને કંઈપણ મોકલતા પહેલા ટીમ મેનેજમેન્ટને જાણ કરવી પડશે
ખેલાડીઓએ હવે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં એક અલગ બેગ અથવા કોઈપણ સાધનો અને વ્યક્તિગત વસ્તુઓ મોકલતા પહેલા ટીમ મેનેજમેન્ટને જાણ કરવી પડશે. અલગ અલગ વ્યવસ્થાઓને કારણે થનારા કોઈપણ વધારાના ખર્ચની જવાબદારી ખેલાડીની રહેશે.
ખેલાડીઓ સિરીઝ દરમિયાન જાહેરાતો શૂટ નહીં કરી શકે
હવે ટીમ ઈન્ડિયાનો કોઈપણ ખેલાડી કોઈપણ સિરીઝ દરમિયાન જાહેરાત શૂટ નહીં કરી શકે. BCCIએ તેના નવા નિયમો સાથે આ સ્પષ્ટતા પણ કરી છે. આ નિયમ પાછળનું કારણ એ છે કે ખેલાડીઓનું ધ્યાન ફક્ત તે સિરીઝ અથવા પ્રવાસ પર જ રહે છે.
પરિવાર સાથે ટ્રાવેલ નહીં કરી શકે
દરેક ખેલાડીએ ટીમ સાથે મુસાફરી કરવી પડશે. એટલે કે ખેલાડીઓ તેમના પરિવાર સાથે મુસાફરી નહીં કરી શકે. જો ખેલાડીને તેના પરિવાર સાથે અથવા અલગથી મુસાફરી કરવી પડે તેવા સંજોગો હોય, તો તેણે ચેરમેન ઓફ સિલેકશન કમિટી પાસેથી મંજૂરી લેવી પડશે.
BCCIના સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપવી ફરજિયાત
હવે બધા ખેલાડીઓ માટે BCCIના સત્તાવાર શૂટિંગ અને ઈવેન્ટ્સમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આ BCCIના હિસ્સેદારો પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા અને રમતને અસરકારક રીતે પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે.
સિરીઝ પૂરી થયા પછી જ ખેલાડીઓને ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે
હવે નવા નિયમો હેઠળ, કોઈપણ ખેલાડીને કોઈપણ મેચ કે સિરીઝ સમાપ્ત થયા પછી વહેલા ઘરે પાછા ફરવાની મંજૂરી નહીં આપવામાં આવે. તેઓ પ્રવાસ પૂરો થયા પછી જ પાછા ફરી શકશે, ભલે મેચ નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ ગઈ હોય.








