ગૌતમ ગંભીરને કોચ પદેથી હટાવવાના અહેવાલો પર BCCIએ તોડ્યું મૌન, બોર્ડ સેક્રેટરીએ કહ્યું- 'અંતિમ નિર્ણય...'

ન્યુઝીલેન્ડ સામે હોમ ODI સિરીઝમાં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના ભવિષ્ય અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ભારત ODI સિરીઝ હાર્યા બાદ ગંભીરે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, કેટલાક લોકોએ તેને કોચના પદ પરથી દૂર કરવાની પણ માંગ કરી છે.
જોકે, BCCIના સચિવ દેવજીત સૈકિયાએ રમૂજી પ્રતિભાવ સાથે આ બધી અફવાઓને ફગાવી દીધી હતી. એક ઇન્ટરવ્યુમાં સૈકિયાએ કહ્યું કે લોકો પોતાના અંગત મંતવ્યો રાખવાના હકદાર છે, પરંતુ BCCI પાસે આ બાબતો પર નિર્ણય લેવા માટે લાયક લોકો છે.
શું ગૌતમ ગંભીરને તેના પદ પરથી દૂર કરવામાં આવશે?
જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ટીમનો હેડ કોચ બન્યો છે, ત્યારથી ટેસ્ટ અને ODI ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તેના કાર્યકાળ દરમિયાન ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ અને પછી સાઉથ આફ્રિકા દ્વારા હોમ સિરીઝમાં વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો. બંને સિરીઝમાં ભારત પોતાની જ ધરતી પર એક પણ ટેસ્ટ જીતવાનું તો દૂરની વાત છે, ડ્રો પણ નહતું કરી શક્યું. તેવી જ રીતે ભારત પહેલી વખત ન્યુઝીલેન્ડ સામે હોમ ODI સિરીઝ પણ હાર્યું હતું.
જોકે, ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ T20I મેચોમાં સતત સફળ રહી છે. જેથી ગંભીરના રેડ-બોલ ક્રિકેટ છોડવાની અટકળો વધવા લાગી છે. આનો અર્થ એ થયો કે ટેસ્ટ ફોર્મેટ માટે એક અલગ કોચ હશે અને ગંભીર મર્યાદિત ઓવરના ક્રિકેટનો કોચ રહી શકે છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ હવે આ અટકળો પર કટાક્ષ કર્યો છે.
દેવજીત સૈકિયાએ શું કહ્યું?
સૈકિયાએ કહ્યું, "ભારત 140 કરોડ લોકોનો દેશ છે અને અહીં દરેક વ્યક્તિ ક્રિકેટ વિશે જાણકાર છે. દરેકનો પોતાનો અભિપ્રાય હશે. આ એક લોકશાહી દેશ છે અને આપણે કોઈનો અવાજ દબાવી નથી શકતા. મીડિયા સહિત બધા અભિપ્રાય આપનારાઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. ક્રિકેટ જગતમાં અટકળો ભરેલા સમાચારો ખૂબ ચાલે છે અને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને અન્ય વ્યક્તિઓ પણ પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા આવા સમાચારોથી ભરેલું છે."
BCCI સચિવે વધુમાં કહ્યું, "પરંતુ વાત એ છે કે, BCCIની અંદર અમારી પાસે એક ક્રિકેટ સમિતિ છે, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. તેઓ સમર્પિત છે અને બધા નિર્ણયો લે છે. બીજી બાજુ, અમારી પાસે ટીમ સિલેક્શન માટે પાંચ સિલેક્ટર્સ છે. તેમણે પણ આ પદ સંભાળવા માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરવા પડે છે. તેઓ જ નિર્ણયો લે છે. દરેક નિર્ણય માટે વિરોધી મંતવ્યો હોઈ શકે છે. તેથી, અમારે તે મંતવ્યો પર વિચાર કરવો પડે છે. પરંતુ અંતિમ નિર્ણય હંમેશા ક્રિકેટ સમિતિ અને સિલેક્ટર્સ દ્વારા લેવામાં આવે છે."
મનોજ તિવારીએ ગંભીરને હટાવવાની માંગણી ઉઠાવી હતી
અગાઉ મનોજ તિવારીએ કહ્યું હતું કે જો સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ T20 વર્લ્ડ કપ 2026 જીતવામાં નિષ્ફળ જાય, તો BCCIએ હેડ કોચ ગૌતમ ગંભીરને હટાવી દેવો જોઈએ.
મનોજે કહ્યું હતું, "જો ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2026 જીતવામાં નિષ્ફળ જાય, તો BCCIએ એક મોટો અને મુશ્કેલ નિર્ણય લેવો પડશે. BCCI સેક્રેટરીએ કહ્યું છે કે અમે ગંભીર સાથે તેમના કરારની સમાપ્તિ સુધી ચર્ચા ચાલુ રાખીશું. પરંતુ જો T20 વર્લ્ડ કપ 2026 ગંભીરને સફળતા નહીં અપાવે, તો મારું માનવું છે કે BCCI એક મોટો નિર્ણય લેશે અને તેને હટાવશે."
પરંતુ હવે BCCI સચિવનું આ નિવેદન સૂચવે છે કે જો ભારત T20 વર્લ્ડ કપ 2026 નહીં જીતે, તો પણ ગંભીરને પદ પરથી નહીં હટાવવામાં આવે.

