WPL 2027ના વેન્યુ મોટો ફેરફાર, ફાઈનલ સહિત મુંબઈ લેગની બધી મેચો હવે આ સ્ટેડિયમમાં યોજાશે

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027 અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈમાં યોજાનારી બધી WPL 2027 મેચોનું વેન્યુ બદલાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે (15 નવેમ્બર) જાહેરાત કરી હતી કે બધી લીગ મેચો તેમજ એલિમિનેટર અને ફાઈનલ હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અગાઉ, આ બધી મેચો બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાવાની હતી. મુંબઈ લેગ જેમાં 11 મેચો હશે, હવે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. જોકે, ટુર્નામેન્ટના શેડ્યૂલ અને મેચની તારીખોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
ICCની વિનંતી પર WPL 2027ના વેન્યુમાં ફેરફાર થયો
BCCIના જણાવ્યા મુજબ, મુંબઈમાં યોજાનારી WPL 2027 મેચોના વેન્યુમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની વિનંતી પર કરવામાં આવ્યો છે. પહેલી વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ યોજાવાની છે, જેમાં મેચો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. તેથી 2027 WPLના અંત અને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વચ્ચે પિચ ફરીથી તૈયાર કરવા માટે પૂરતો સમય નહતો. પરિણામે, BCCIએ મુંબઈમાં યોજાનારી બધી 11 મેચોને બ્રેબોર્ન સ્ટેડિયમથી વાનખેડે સ્ટેડિયમમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારમાં એલિમિનેટર અને ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. 5 ફેબ્રુઆરીએ યોજાનારી એલિમિનેટર અને 7 ફેબ્રુઆરીએ યોજાનારી ફાઈનલ હવે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે.
WPL 2027 14 જાન્યુઆરીથી શરૂ થશે
વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી સિઝન 14 જાન્યુઆરી, 2027થી શરૂ થશે. ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. પ્રારંભિક રાઉન્ડ વડોદરામાં રમાશે, જ્યાં 24 જાન્યુઆરી સુધી કુલ 11 મેચ રમાશે. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો તબક્કો મુંબઈમાં રમાશે, મુંબઈનો તબક્કો 26 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. મુંબઈમાં કુલ 11 મેચ રમાશે. આ તબક્કાની છેલ્લી લીગ મેચ 3 ફેબ્રુઆરીએ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે.
લીગ સ્ટેજની મેચો પૂર્ણ થયા પછી એલિમિનેટર 5 ફેબ્રુઆરીએ રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 7 ફેબ્રુઆરીએ યોજાશે. બંને મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. BCCIએ સ્પષ્ટતા કરી છે કે, વેન્યુમાં ફેરફાર સિવાય ટુર્નામેન્ટના શેડ્યૂલમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આનો અર્થ એ થયો કે બધી મેચો અગાઉ નિર્ધારિત તારીખો અને સમય અનુસાર રમાશે.




