મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCI અને ગૌતમ ગંભીરના વિચારોમાં અંતર, બોર્ડે બોલિંગ પછી ફીલ્ડિંગ કોચની માગ પણ નકારી!

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન

BCCI અને ગૌતમ ગંભીરના વિચારોમાં અંતર, બોર્ડે બોલિંગ પછી ફીલ્ડિંગ કોચની માગ પણ નકારી!

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગયા મંગળવારે મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત કરી હતી. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગંભીરને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. દ્રવિડની સાથે તેના સપોર્ટ સ્ટાફ એટલે કે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફીલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો.

જોકે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટી દિલીપ ફીલ્ડિંગ કોચ બની શકે છે. બાકીના બેટિંગ અને બોલિંગ કોચ બદલવામાં આવશે તે નિશ્ચિત છે. જોકે, બીસીસીઆઈ મુખ્ય કોચને તેના સપોર્ટ સ્ટાફની પસંદગી કરવાનો અધિકાર આપે છે, પરંતુ ગંભીર સાથે આવું થઈ રહ્યું નથી. આ પહેલા ગંભીર વિનય કુમારને બોલિંગ કોચ બનાવવા ઈચ્છતો હતો, જેના પર BCCIએ કોઈ રસ દાખવ્યો ન હતો.

હવે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈએ ગંભીરની ફીલ્ડિંગ કોચની માગને પણ ફગાવી દીધી છે. ગંભીર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ જોન્ટી રોડ્સને ફીલ્ડિંગ કોચ બનાવવા માગતો હતો. જોકે, બીસીસીઆઈ સપોર્ટ સ્ટાફમાં કોઈપણ પ્રકારના વિદેશી કોચને સામેલ કરવા નથી ઈચ્છતી. BCCI છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કોચ સાથે કામ કરી રહ્યું છે.

સૂત્રએ અહેવાલમાં જણાવ્યું હતું કે, રોડ્સના નામ અંગે ચર્ચા થઈ હતી પરંતુ બોર્ડે નિર્ણય લીધો હતો કે તમામ સપોર્ટ સ્ટાફ મેમ્બર ભારતીય હશે. આ ફરી એકવાર ટી દિલીપ માટે દરવાજા ખોલે છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તમ કામ કર્યું. અગાઉના કોચિંગ સ્ટાફના સભ્ય માટે આગામી મુખ્ય કોચના કાર્યકાળ દરમિયાન કામ કરવું એ નવી વાત નથી. બેટિંગ કોચ વિક્રમ રાઠોડ 2019 ODI વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રી સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા અને દ્રવિડ મુખ્ય કોચ બન્યા પછી પણ બેટિંગ કોચ રહ્યા. નોંધનીય છે કે, ગંભીરના સપોર્ટ સ્ટાફને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, સપોર્ટ સ્ટાફમાં ગંભીર સાથે કોણ જોવા મળે છે.

આ સમાચાર શેર કરો