બાંગ્લાદેશની T20 વર્લ્ડ કપ મેચોને શિફ્ટ કરવાની અપીલ પર આવ્યો BCCIનો જવાબ, જાણો ભારતીય બોર્ડે શું કહ્યું

IPLમાં મુસ્તફિઝુર રહેમાનના બહાર થયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઈચ્છે છે કે તેની T20 વર્લ્ડ કપ 2026 મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં આવે. આ અંગે હવે BCCIએ જવાબ આપ્યો છે. ટુર્નામેન્ટ શરૂ થવામાં એક મહિના જેટલો જ સમસ્ય બાકી છે, અને સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ગ્રુપ Cમાં છે. બાંગ્લાદેશની ચાર ગ્રુપ સ્ટેજ મેચોમાંથી ત્રણ કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને એક વાનખેડે ખાતે રાખવામાં આવી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ICCને ભારતમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા કહેવાની યોજના બનાવી રહ્યું છે. ર્ક અહેવાલ અનુસાર, BCBએ વર્તમાન પરિસ્થિતિ અંગે ICCને પત્ર લખવાનું નક્કી કર્યું છે. BCCIએ સ્પષ્ટતા કરી છે કે T20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલમાં ફેરફાર કરવો હવે અત્યંત મુશ્કેલ છે.
BCBની માંગણી પર BCCIનો પ્રતિભાવ
સમાચાર એજન્સી PTIએ BCCIના એક સૂત્રને ટાંકીને પોતાના અહેવાલમાં કહ્યું, "તમે કોઈની ઈચ્છા અને પસંદગીઓ અનુસાર મેચ નથી બદલી શકતા. તે તાર્કિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. વિરોધી ટીમો વિશે વિચારો. તેમની એર ટિકિટ અને હોટલ પહેલાથી જ બુક થઈ ગઈ છે."
સૂત્રએ વધુમાં ઉમેર્યું, "ઉપરાંત, દરરોજ ત્રણ મેચ છે, જેનો અર્થ એ છે કે એક મેચ શ્રીલંકામાં છે. પ્રસારણ ટીમ પણ ત્યાં છે. તેથી, તે કહેવું સહેલું છે પરંતુ તેનો અમલ કરવો મુશ્કેલ છે."
વિવાદ શા માટે થયો?
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2026ના મિની ઓક્શનમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. વધતા વિરોધ વચ્ચે KKRએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે મુસ્તફિઝુરને રિલીઝ કર્યો છે. ટીમે સ્પષ્ટતા કરી કે તેણે BCCIના નિર્દેશ પર આવું કર્યું છે. આ સાથે જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ શનિવારે T20 વર્લ્ડ કપ માટે ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી.

