VIDEO / વાઈડ બોલ પર સ્ટમ્પ ઉપર મારી દીધું બેટ, CPLમાં વિચિત્ર રીતે આઉટ થયો બેટ્સમેન
કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2025ની મેચ નંબર-17માં ત્રિનબાગો નાઈટ રાઈડર્સનો સામનો ગુયાના એમેઝોન વોરિયર્સ સાથે થયો હતો. 30 ઓગસ્ટ (શનિવાર) ના રોજ તારોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સે એમેઝોન વોરિયર્સ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ મુકાબલામાં અમેઝોન વોરિયર્સનો બેટર શાઈ હોપ જે રીતે આઉટ થયો છે, તેને ક્રિકેટની એક રોચક ઘટના ગણવામાં આવી રહી છે.
શાઈ હોપ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો હતો, તે 39 રન બનાવી ચૂક્યો હતો, જેમાં ત્રણ ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. પરંતુ અચાનક તે અજીબ રીતે હિટવિકેટ થયો હતો. તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. 15મી ઓવરમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સના બોલર ટેરેન્સ હાઈન્ડસે પહેલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. શાઈ હોપ પહેલાંથી જ રિવર્સ રેમ્પ શોટ લગાવવા જઈ રહ્યો હતો. પરંતુ બેટિંગ કરતી વખતે શાઈ હોપનું બેલેન્સ બગડ્યું અને બેટનો નીચલો હિસ્સો સ્ટમ્પ સાથે અથડાયો.
વાઈડ બોલ પર આઉટ થયો હોપ
વાઈડ બોલ પર હોપ આ રીતે આઉટ થઈ જતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારબાદ ગુયાના એમેઝોન વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ પર 163 રન બનાવ્યા હતા. ત્રિનબાગો નાઈટ રાઈડર્સના સ્પિનર અકીલ હુસૈને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમના એલેક્સ હેલ્સ (74 રન) અને કોલિન મુનરો (52 રન) ની દમદાર જોડીએ આક્રમક બેટિંગ કરી હતી. જેના દમ પર ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 17.2 ઓવરમાં જ 164 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. એમેઝોન વોરિયર્સના કેપ્ટન ઈમરાન તાહિરે 27 રન આપીને ચાર વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો.

