બેંગલુરુ ભાગદોડમાં જીવ ગુમવનારના પરિવારોને મદદ કરશે RCB CARES, આટલા રૂપિયા આપવાની કરી જાહેરાત

IPL 2025માં ખિતાબ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારના પરિવારો માટે RCB CARES એ મદદની જાહેરાત કરી છે. RCB CARES ભાગદોડમાં જીવ ગુમાવનારા દરેક ફેનના પરિવારોને 25 લાખ રૂપિયા આપશે. RCB એ શનિવારે પીડિત પરિવારો માટે મદદની જાહેરાત કરી છે.
શોકમાં ફેરવાઈ ગઈ જીતની ઉજવણી
IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને RCB એ પહેલીવાર IPL ટાઇટલ જીત્યું. 18 સિઝનની રાહ જોયા પછી RCB એ પહેલું IPL ટાઈટલ જીત્યા બાદ બેંગલુરુમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ તે ટૂંક સમયમાં જ શોકમાં ફેરવાઈ ગયો. 4 જૂને, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લગભગ બે લાખ ફેન્સ એકઠા થયા હતા, જેને પોલીસ કાબૂમાં નહતી રાખી શકી. અને ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે આ નાણાકીય સહાય તેની નવી પહેલ RCB CARES હેઠળ આપવામાં આવી રહી છે. અગાઉ, RCB એ ભાગદોડમાં માર્યા ગયેલા ફેન્સના પરિવારો માટે 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. RCB એ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું, "4 જૂન, 2025ના રોજ, અમારા દિલ તૂટ્યા. અમે RCB પરિવારના અગિયાર સભ્યો ગુમાવ્યા. તેઓ અમારો ભાગ હતા. અમારા શહેરનો, અમારા સમુદાયનો અને અમારી ટીમને અનોખી બનાવતી વસ્તુઓનો ભાગ હતા. તેમની ગેરહાજરી હંમેશા અમારા બધાની યાદોમાં રહેશે. કોઈપણ મદદ ક્યારેય તેમનું સ્થાન નહીં ભરી શકે, પરંતુ આદર સાથે, RCB તેમના પરિવારોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી રહ્યું છે."
RCB એ સોશિયલ મીડિયા પર મૌન તોડ્યું
અગાઉ, RCB આખરે સોશિયલ મીડિયા પર પાછી ફરી અને બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર પોતાનું મૌન તોડ્યું. ટીમે એક ઓફિશિયલ મેસેજ શેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે તેમના મૌનને ગેરહાજરી તરીકે ન સમજવું જોઈએ. RCB એ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેમનું મૌન ખરેખર પીડિતો માટે શોકનું પ્રતીક છે. ફ્રેન્ચાઈઝીએ સ્પષ્ટ કર્યું કે આવા મુશ્કેલ સમયમાં, તેમનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને બદલે ગંભીરતા અને સંવેદનશીલતા જાળવવાનો હતો.

