Asia Cup 2025: ટીમ ઇન્ડિયા સાથે UAE નહીં જાય આ 5 ખેલાડી,BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય

એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવાની છે. ટૂર્નામેન્ટ પહેલાં જ BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રિઝર્વમાં રાખવામાં આવેલા 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સાથે UAE નહીં જાય. હવે માત્ર 15 સભ્યોની અંતિમ ટીમ જ દુબઈ જશે. BCCIએ આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું છે.
BCCIએ શા માટે લીધો આ નિર્ણય?
BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ટીમના 5 રિઝર્વ ખેલાડીઓ ભારતીય ટીમ સાથે UAE માટે રવાના નહીં થાય. આ ખેલાડીઓને ત્યારે જ UAE મોકલવામાં આવશે જ્યારે ભારતીય ટીમને રિપ્લેસમેન્ટની જરૂર પડશે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓછા લોકો સાથે મુસાફરી કરવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ રીતે રિઝર્વ ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવી શકે છેએશિયા કપ 2025 માટે રિપ્લેસમેન્ટ પ્રક્રિયા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. જો કોઈ ખેલાડીને ગંભીર ઈજા થાય અને તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય, તો મેડિકલ સ્ટાફ તેનો રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. કમિટી રિપોર્ટની તપાસ કરીને નક્કી કરશે કે ખેલાડીને બહાર કરવો છે કે નહીં. મંજૂરી મળ્યા બાદ જ રિઝર્વ ખેલાડી ટીમમાં સામેલ થશે.
આ દિવસે ભારતીય ટીમ UAE માટે રવાના થશે
રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે UAE માટે રવાના થશે. 5 અને 6 સપ્ટેમ્બરે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરશે. ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન દુબઈની ગરમી અને પીચની સ્થિતિને અનુરૂપ પોતાની તૈયારી કરશે.
ભારતીય ટીમનું પૂર્ણ શેડ્યૂલ
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. 14 સપ્ટેમ્બરે ટીમ ગ્રૂપ સ્ટેજમાં પાકિસ્તાન સામે બીજી મેચ રમશે. ત્રીજી અને અંતિમ ગ્રૂપ સ્ટેજ મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમાશે.
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજૂ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, રિંકુ સિંહ, કુલદીપ યાદવ.
રિઝર્વ ખેલાડીઓ: પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ.

