ICCના નિર્ણય પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તોડ્યું મૌન, સામે આવી પહેલી પ્રતિક્રિયા; કહ્યું- 'અમે તેના વિશે...'

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 2026ના T20 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ICCએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે બાંગ્લાદેશ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાનારી વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં અને તેની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવશે.
બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે તેની ટીમની મેચ ભારતને બદલે શ્રીલંકામાં ખસેડવામાં આવે, પરંતુ ICCએ તેમ કરવાનો ઈનકાર કર્યો હતો. બાંગ્લાદેશનું કહેવું હતું કે તેના ખેલાડીઓ ભારતમાં જોખમમાં છે અને તે અડગ રહ્યો. આ પછી ICCએ પણ અલ્ટીમેટમ જારી કર્યું હતું અને ત્યારબાદ સ્કોટલેન્ડને તક આપવામાં આવી.
'હવે અમે તેના વિશે કંઈ નથી કરી શકતા'
ICCના નિર્ણય બાદ BCB મીડિયા કમિટીના ચેરમેન અમજદ હુસૈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે તેના બોર્ડે શક્ય તેટલું બધું કર્યું હતું, પરંતુ ICC બાંગ્લાદેશની માંગણીઓ નહતું સ્વીકારવા માંગતું, જેના કારણે તેની પાસે કોઈ વિકલ્પ નહતો.
તેણે કહ્યું, "અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. હું ICC બોર્ડના નિર્ણયનું સન્માન કરું છું અને બોર્ડનો નિર્ણય એ હતો કે મેચો નથી ખસેડી શકાતી. તેમ છતાં, અમે અમારી રીતે અપીલ કરી. હવે અમે તેના વિશે કંઈ નથી કરી શકતા. અમે ICC બોર્ડના નિર્ણયને સ્વીકાર્યો."
BCB નિર્ણયને નહીં પડકારે
BCBએ સ્પષ્ટ કર્યું છે કે તે ICCના નિર્ણયને આર્બિટ્રેશન કોર્ટમાં નહીં પડકારે કે અન્ય કોઈ કાર્યવાહી નહીં કરે. તેણે કહ્યું, "અમે આ મામલે ભારત નથી જઈ શકતા. અમારું વલણ એ જ છે. અમે અલગથી કોઈ આર્બિટ્રેશન નહીં કરીએ કે અન્ય કોઈ કાર્યવાહી નહીં કરીએ."
હુસૈને કહ્યું, "અમે સરકાર સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપ રમવા માટે ભારત જવું અમારા ખેલાડીઓ, પત્રકારો અને તેમની સાથે આવનાર કોઈપણ વ્યક્તિ માટે સલામત નહીં રહે."

