IND-W vs AUS-W / ત્રણ દિવસ પણ ન ટકી શકી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયાએ પિંક બોલ ટેસ્ટમાં 10 વિકેટથી આપી માત

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પર્થના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ (WACA) ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ સરળતાથી જીતી લીધી. ભારતીય મહિલા ટીમ આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી, જેના કારણે મલ્ટી-ફોર્મેટ સિરીઝ ગુમાવવી પડી. ભારતીય મહિલા ટીમ આ મેચમાં ત્રણ દિવસ પણ ન ટકી શકી અને ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના પહેલા સેશનમાં 10 વિકેટથી જીત મેળવી.
ફ્લોપ રહી ભારતીય બેટિંગ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલા સેશનથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 62.4 ઓવરમાં 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જેમિમા રોડ્રિગ્સે અડધી સદી ફટકારી, પરંતુ અન્ય બેટ્સમેન લાંબા સમય સુધી ન ટકી શકી. ઓસ્ટ્રેલિયા માટે એનાબેલ સધરલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 323 રન બનાવ્યા. આનાથી ઓસ્ટ્રેલિયાને 125 રનની મજબૂત લીડ મળી.
બોલિંગ બાદ એનાબેલ સધરલેન્ડે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે સદી ફટકારી અને 129 રન બનાવ્યા. એલિસ પેરીએ પણ 76 રન બનાવ્યા, તે ઓસ્ટ્રેલિયાની મહિલા ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. આ દરમિયાન ભારતની સયાલી સતઘરેએ ડેબ્યુમેચની પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી, પરંતુ ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર બનાવતા ન રોકી શકી.
ભારતની બીજી ઈનિંગ પણ નબળી રહી
ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પણ ખાસ કંઈ ન કર્યું. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ફરી એકવાર વહેલી આઉટ થઈ ગઈ. સધરલેન્ડ અને ડેબ્યુટન્ટ લ્યુસી હેમિલ્ટને મળીને ટોપ ઓર્ડરને ખતમ કરી દીધો, જેના પરિણામે ભારતીય ટીમ આ ઈનિંગમાં માત્ર 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પ્રતિકા રાવલના લડાયક 63 રનની મદદથી ટીમે આ સ્કોર હાંસલ કર્યો, જેનાથી ઓસ્ટ્રેલિયાને 25 રનનો ટાર્ગેટ મળ્યો, જે ઓસ્ટ્રેલિયાએ 4.3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો.
ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 5-2થી જીતી લીધી
આ એક મલ્ટી-ફોર્મેટ સિરીઝ હતી, જેમાં ત્રણ T20I, ત્રણ ODI અને એક ટેસ્ટ મેચનો સમાવેશ થતો હતો. ભારતે T20I સિરીઝ 2-1થી જીતીને લીડ મેળવી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ જોરદાર વાપસી કરી અને પહેલા ODI સિરીઝ 3-0થી જીતી અને પછી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 5-2થી પોતાના નામે કરી.

