AUS vs ENG / ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 દિવસમાં જીતી લીધી એશિઝ સિરીઝ, ફરી એકવાર તૂટ્યું ઈંગ્લેન્ડનું સપનું

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 82 રનથી હરાવ્યું છે. 435 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ઈંગ્લેન્ડ ફક્ત 352 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડના બોલર અને બેટ્સમેન મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. ઓસ્ટ્રેલિયા માટે એલેક્સ કેરી અને ટ્રેવિસ હેડે સદી ફટકારી અને આખી ટીમે એકસાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું.
ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે જીત મેળવી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ ફક્ત 2 દિવસમાં 8 વિકેટથી જીતી હતી. ત્યારબાદ તેણે બીજી ટેસ્ટ 4 દિવસમાં 8 વિકેટથી જીતી અને હવે ત્રીજી મેચ પાંચમા દિવસસુધી ચાલી. ઈંગ્લેન્ડે ઘણા સેશનમાં વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે મેચ જીતી લીધી. આ રીતે તેણે પાંચ ટેસ્ટની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી અને માત્ર 11 દિવસમાં એશિઝ સિરીઝ જીતી લીધી.
ઈંગ્લેન્ડે 8 વર્ષથી એશિઝ સિરીઝ નથી જીતી
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે છેલ્લે 2017માં એશિઝ સિરીઝ જીતી હતી. ત્યારથી તે આ મોટી સિરીઝ જીતવા માટે ઝંખી રહ્યું છે. 8 વર્ષ અને 4 દિવસથી એશિઝ સિરીઝ ઓસ્ટ્રેલિયા પાસે છે અને તેણે આ સિલસિલો જાળવી રાખ્યો છે. વર્તમાન સિરીઝમાં ઈંગ્લેન્ડ માટે ફક્ત જો રૂટ સદી ફટકારવામાં સફળ રહ્યો છે. અન્ય કોઈ ખેલાડી ત્રણમાંથી એક પણ મેચમાં સદી નથી ફટકારી શક્યા. આખી ટીમે ક્યારેક ક્યારેમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ ઓસ્ટ્રેલિયા પર દબાણ ન લાવી શકી.
ઓસ્ટ્રેલિયા માટે એલેક્સ કેરી અને ટ્રેવિસ હેડે સદી ફટકારી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે એલેક્સ કેરીએ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને 106 રન બનાવ્યા હતા. તેની ઈનિંગને કારણે ટીમ પ્રથમ ઈનિંગમાં 371 રન બનાવી શકી હતી. ત્યારબાદ ટ્રેવિસ હેડે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે 170 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દરમિયાન, ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 286 રન અને બીજી ઈનિંગમાં 352 રન બનાવ્યા. ટીમ તરફથી જેક ક્રોલી (85) અને બેન સ્ટોક્સ (83) એ અડધી સદી ફટકારી હતી.

