AUS vs ENG / વ્યર્થ ગઈ રૂટ-બેથેલની સદી, ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી જીતી સિડની ટેસ્ટ; 4-1થી પોતાના નામે કરી એશિઝ

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સિડની ટેસ્ટ પર કબ્જો કર્યો છે અને આ સાથે એશિઝ સિરીઝમાં પણ 4-1થી પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડ ફરી એકવાર હાર સાથે ટેસ્ટ સિરીઝમાંથી વિદાય લેશે. જોકે ઈંગ્લેન્ડે ટોસ જીતીને શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ અંતિમ દિવસ સુધીમાં તેના પ્રયાસો નિરર્થક સાબિત થયા.
મેચ 5મા દિવસ સુધી લંબાઈ
સિડની ટેસ્ટ 5મા દિવસ સુધી ચાલી કારણ કે બંને ટીમોએ સારી બેટિંગ કરી. ઈંગ્લેન્ડને તેની બીજી ઈનિંગમાં 342 રનમાં ઓલઆઉટ કર્યા બાદ 160 રનના ટાર્ગેટને ચેઝ કરતા યજમાન ટીમે ઈંગ્લેન્ડની ઉત્તમ બોલિંગ અને ફિલ્ડિંગના કઠિન પડકારનો સામનો કરવા છતાં 5 વિકેટથી મેચ જીતી લીધી. ઈંગ્લેન્ડે ઉસ્માન ખ્વાજાને શાનદાર ટેસ્ટ વિદાયની તક ન આપી, ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં જોશ ટંગે તેને ફક્ત 6 રન પર આઉટ કર્યો. છેલ્લેએલેક્સ કેરી (16 અણનમ) અને કેમેરોન ગ્રીન (22 અણનમ) એ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી.
ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ
બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ઈંગ્લેન્ડે 384 રન બનાવ્યા. જો રૂટ (160) અને હેરી બ્રુક (84) એ ઈંગ્લેન્ડ ટીમ માટે શાનદાર ઈનિંગ રમી. કાંગારુઓ તરફથી માઈકલ નેસરે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ
ઈંગ્લેન્ડના 384 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરી અને 567 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેનાથી ટીમને 183 રનની મોટી લીડ મળી. કાંગારુઓ તરફથી ઓપનર ટ્રેવિસ હેડે 168 અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 138 રન બનાવ્યા. મુલાકાતી ટીમ માટે બ્રેન્ડન કાર્સ અને જોશ ટંગે 3-3 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ
પોતાની બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ટીમે 342 રન બનાવ્યા. જેમાં જેકબ બેથેલે સૌથી વધુ 154 રનનું યોગદાન આપ્યું, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી સુધી પણ ન પહોંચી શક્યો, જેના કારણે યજમાન ટીમને ફક્ત 160 રનનો ટાર્ગેટ મળ્યો. કાંગારૂઓ માટે મિચેલ સ્ટાર્ક અને બ્યુ વેબસ્ટરે 3-3 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ
પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયા માટે ટાર્ગેટ સરળ લાગતો હતો, પરંતુ ઈંગ્લેન્ડે તેને સખત લડત આપી અને ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પવેલિયન પરત મોકલી. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ 5 વિકેટથી જીતી અને એશિઝ સિરીઝ 4-1થી પોતાના નામે કરી. ઈંગ્લેન્ડ ટીમ માટે જોશ ટંગે 3 વિકેટ અને વિલ જેક્સે 1 વિકેટ લીધી હતી.
એશિઝની બધી મેચોના પરિણામો
- પ્રથમ ટેસ્ટ: પર્થ, 21-22 નવેમ્બર (ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી જીત્યું)
- બીજી ટેસ્ટ: ગાબા, 4-7 ડિસેમ્બર (ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી જીત્યું)
- ત્રીજી ટેસ્ટ: એડિલેડ ઓવલ, 17-21 ડિસેમ્બર (ઓસ્ટ્રેલિયા 82 રનથી જીત્યું)
- ચોથી ટેસ્ટ: MCG, 26-30 ડિસેમ્બર (ઈંગ્લેન્ડ 4 વિકેટથી જીત્યું)
- પાંચમી ટેસ્ટ: SCG, 4-8 જાન્યુઆરી (ઓસ્ટ્રેલિયા 5 વિકેટથી જીત્યું)

