Asia Cup 2025: ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત્, પાકિસ્તાનની 7 વિકેટથી કારમી હાર

Asia Cup 2025: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે(14 સપ્ટેમ્બર) એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતની 7 વિકેટથી જીત થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા અને ભારતને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 131 રન બનાવીને પાકિસ્તાનને માત આપી છે.
આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે એક મેચ રમી હતી, જેમાં ભારતે જીત મેળવી હતી. પાકિસ્તાનની ટીમે આ અગાઉની મેચમાં ઓમાનને હરાવ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાન સાથે મેચ રમાવાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી શકાય.
પાકિસ્તાને ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ભારે વિવાદ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની મેચમાં ભારતે 7 વિકેટથી ભવ્ય જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઇને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જે પછી 128 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી છે.
આ મેચમાં ભારતીય ટીમના બોલર્સે તોફાની પ્રદર્શન કરી પાકિસ્તાનના બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા હતા. પાકિસ્તાન માટે સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 44 બોલમાં 40 રન અને શાહિન આફ્રિદીએ 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનનો અન્ય કોઇ બેટર 20 રન પણ બનાવી શક્યો નહોતો. આ મેચમાં કુલદીપ યાદવે 3 વિકેટ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી.
128 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન અને કેપ્ટન સુર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત તિલક વર્માએ 31 બોલમાં 31 રન અને શિવમ દુબેએ 7 બોલમાં અણનમ 10 રન જ્યારે શુભમન ગિલે 7 બોલમાં 10 રન બનાવ્યા હતા.

