Asia Cup 2025માં પહેલી ત્રણ મેચ પછી કેવી છે પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ? જાણો ક્યા સ્થાન પર છે કઈ ટીમ

એશિયા કપની 17મી એડિશનમાં ત્રણ મેચ રમાઈ છે. ગુરુવારે, બાંગ્લાદેશે ગ્રુપ B મેચમાં હોંગકોંગને 7 વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા હોંગકોંગે 143 રન બનાવ્યા. નઝાકત ખાને ઈનિંગમાં સૌથી વધુ 42 રન બનાવ્યા, બાબર હયાતે 14 રનની ઈનિંગમાં મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો. હવે બાબર એશિયા કપ T20માં વિરાટ કોહલી પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ટાર્ગેટ ચેઝ કરતા, બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે 59 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. આ હોંગકોંગનો સતત બીજો પરાજય હતો.
39 બોલમાં 59 રનની ઈનિંગમાં, લિટન દાસે 1 છગ્ગો અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય તૌહીદે 35 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ બાંગ્લાદેશની એશિયા કપ 2025માં પહેલી મેચ હતી, જે જીતીને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં કુલ 8 ટીમોને 2 ગ્રુપ (4-4) માં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં, બધી ટીમો 3-3 મેચ રમશે, જે પછી પોઈન્ટ્સ ટેબલની ટોપ 2 ટીમો સુપર-4માં જશે અને અન્ય ટીમો બહાર થઈ જશે. ચાલો તમને જણાવી દઈએ કે પહેલી 3 મેચ બાદ પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ કેવી છે.
ગ્રુપ A પોઈન્ટ્સ ટેબલ
ગ્રુપ Aની બીજી મેચ આજે (12 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને ઓમાન વચ્ચે રમાશે. અગાઉ ભારતે UAEને 9 વિકેટથી હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી UAEની ટીમને ભારતીય બોલર્સે 57 રનમાં ઓલઆઉટ કરી દીધી અને આ પછી 4.3 બોલમાં ટાર્ગેટ ચેઝ કરીને મોટી જીત નોંધાવી હતી. આ સાથે ભારતની નેટ રન રેટ +10.483 છે, જે હવે અન્ય ટીમો માટે પાર કરવી ખૂબ મુશ્કેલ છે. ગ્રુપ Aમાં બીજા સ્થાન પર -10.483ની નેટ રન રેટ સાથે UAEની ટીમ છે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાન પર ઓમાન અને પાકિસ્તાનની ટીમ છે.
ગ્રુપ B પોઈન્ટ્સ ટેબલ
ગ્રુપ Bમાં 2 મેચ રમાઈ ચૂકી છે, 3 ટીમોએ પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે જ્યારે શ્રીલંકા શનિવારે બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. આ ગ્રુપમાં, બાંગ્લાદેશ પહેલા, અફઘાનિસ્તાને હોંગકોંગને હરાવ્યું હતું. + 4.700ની નેટ રન રેટના આધારે અફઘાનિસ્તાન આગળ છે અને આ ગ્રુપમાં નંબર વન પર છે. શ્રીલંકા ચોથા સ્થાને છે કારણ કે તેણે હજુ સુધી એક પણ મેચ નથી રમી. બાંગ્લાદેશ +1.001ની નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. હોંગકોંગ બંને મેચ હાર્યા બાદ -2.889ની નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે.
આજે કઈ ટીમનો મુકાબલો છે?
આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ઓમાન વચ્ચે મેચ રમાશે. આ મેચનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર થશે.

