ભારતનો આ ખેલાડી વિદેશી ટીમ સાથે કરશે ડેબ્યુ, એશિયા કપ માટે નથી મળ્યું સ્કવોડમાં સ્થાન

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં UAEના પ્રવાસે છે, જ્યાં તે એશિયા કપ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે અને તેની પહેલી જ મેચમાં યજમાન ટીમને 9 વિકેટથી હરાવી છે. આ બધા વચ્ચે, ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. આ ખેલાડી ટૂંક સમયમાં વિદેશી ટીમ માટે રમતો જોવા મળશે. આ ખેલાડીને એશિયા કપ 2025 માટે ભારતનીમાં સ્થાન નથી મળ્યું.
આ ભારતીય ખેલાડી વિદેશી ટીમ માટે રમશે
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપના છેલ્લા બે રાઉન્ડમાં હેમ્પશાયર માટે રમવા માટે તૈયાર છે. હેમ્પશાયરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી છે. હેમ્પશાયર 15થી 18 સપ્ટેમ્બર દરમિયાન ટોન્ટનના કૂપર એસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટનો સામનો કરશે, ત્યારબાદ તે 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન યુટિલિટા બાઉલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સરે સામે ટકરાશે. સુંદર આ બંને મેચનો ભાગ રહેશે.
તમને જણાવી દઈએ કે, વોશિંગ્ટન સુંદર તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેણે આ પ્રવાસ પર 47ની એવરેજથી 284 રન બનાવ્યા હતા, જેમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની તેની પહેલી સદીનો પણ સમાવેશ થાય છે, જેનાથી ભારતને મેચ બચાવવામાં મદદ મળી હતી. આ ઉપરાંત, તેણે બોલિંગમાં પણ પોતાની છાપ છોડી. 2022 પછી આ પહેલીવાર બનશે જ્યારે સુંદર કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળશે. અગાઉ તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લેન્કેશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે નોર્થમ્પ્ટનશાયર સામેની તેની પહેલી મેચમાં પાંચ વિકેટ પણ લીધી હતી.
ટીમ ઈન્ડિયા માટે મજબૂત પ્રદર્શન
વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધી 13 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 44.2ની એવરેજથી 752 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 28.5ની એવરેજથી 32 વિકેટ પણ લીધી છે, જેમાં ત્રણ વખત 4 વિકેટ અને એક વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે.

