રોહિત શર્માના આ માસ્ટર પ્લાનના કારણે કાનપુર ટેસ્ટ જીત્યું ભારત, અશ્વિને કર્યો ખુલાસો
ભારતે બે મેચની ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સિરીઝની બીજી ટેસ્ટ

ભારતે બે મેચની ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સિરીઝની બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ હતી. ભારત બીજી ટેસ્ટ મોટા માર્જિનથી જીતવામાં સફળ રહ્યું હતું. આ જીતમાં કેપ્ટન રોહિત શર્માની ખાસ રણનીતિએ મોટી ભૂમિકા ભજવી હતી, જેનો ખુલાસો મેચ બાદ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને કર્યો હતો. વરસાદને કારણે લગભગ ત્રણ દિવસ સુધી મેદાન ભીનું રહ્યું હતું. જેના કારણે પરિણામ મેળવવું મુશ્કેલ જણાતું હતું. પરંતુ, છેલ્લા બે દિવસમાં, ભારતીય ટીમે બાંગ્લાદેશને બે વખત ઓલઆઉટ કરી દીધું અને બેટ્સમેનોએ આક્રમક રીતે મેચને પોતાની તરફેણમાં ફેરવી દીધી હતી.
રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાં જીતનો મંત્ર આપ્યો
રવિચંદ્રન અશ્વિને મેચ બાદ કહ્યું કે, રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને નિર્ભયતાથી રમવાની સૂચના આપી હતી. તેણે કહ્યું, "રોહિતે અમને કહ્યું કે આપણે કોઈપણ પ્રેશર વિના રમવાનું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે જો આપણે 230 રનમાં ઓલઆઉટ થઈ જઈએ તો પણ આપણે 80 ઓવરમાં બાંગ્લાદેશને ફરીથી ઓલઆઉટ કરવું પડશે. તેનો આત્મવિશ્વાસ અને આક્રમકતા પ્રથમ ઈનિંગમાં ટીમની બેટિંગમાં પણ દેખાયા હતા, જે દરમિયાન અમે પાંચ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા હતા."
અશ્વિને પિચ અને બોલિંગના મહત્ત્વ વિશે વાત કરી
મેચ દરમિયાન પિચ અને બોલિંગના મહત્ત્વ વિશે વાત કરતા અશ્વિને કહ્યું, "નવા બોલથી રમવામાં બેટ્સમેનોને મુશ્કેલી પડે છે. આ પિચ પર બોલ વધુ ઉછાળતો નથી, તેથી સ્પિનરોને પણ ઓવરસ્પિન કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ મેં મારી લય જાળવી રાખી અને મારા બોલને યોગ્ય રોટેશન આપ્યું, જેના કારણે અમને સારા પરિણામો મળ્યા."
WTC 2023-25ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. સાત વિકેટની આ જીત સાથે ભારતની PCTને 74.24 થઈ ગઈ છે, જ્યારે બાંગ્લાદેશ 34.38 PCT સાથે સાતમા સ્થાને સરકી ગયું છે. ઓસ્ટ્રેલિયા 62.50 PCT સાથે બીજા સ્થાને છે જ્યારે શ્રીલંકા ત્રીજા અને ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. સાઉથ આફ્રિકા પાંચમા સ્થાને અને ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે.






