T20 વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, આ ભારતીય ખેલાડીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 12 જૂને, ટીમ ઈન્ડિયાએ સંયુક્ત યજમાન યુએસએ સામે નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાના નિર્ણયને યોગ્ય સાબિત કરી દીધો હતો. ભારતીય ટીમે અમેરિકાને 20 ઓવરમાં 110ના સ્કોર પર રોકી દીધું હતું. અર્શદીપ સિંહે તેની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, આ સાથે તેણે T20 વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી બેસ્ટ સ્પેલ
અર્શદીપ સિંહે આ મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી, જેમાં સાયાન જહાંગીર અને એન્ડ્રીસ ગોસની વિકેટ સામેલ હતી. અર્શદીપે નીતિશ કુમાર અને હરમીત સિંહના રૂપમાં બીજી 2 વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ખેલાડી દ્વારા એક મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ હવે અર્શદીપ સિંહના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે હતો, જેણે 2014 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મીરપુર મેદાન પર રમાયેલી મેચમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્શદીપ સિંહને તેના શાનદાર પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ મેચમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
- અર્શદીપ સિંહ - 9 રનમાં 4 વિકેટ (vs યુએસએ, 2024)
- રવિચંદ્રન અશ્વિન - 11 રનમાં 4 વિકેટ (vs ઓસ્ટ્રેલિયા, 2014)
- હરભજન સિંહ - 12 રનમાં 4 વિકેટ (vs ઈંગ્લેન્ડ, 2012)
- આરપી સિંહ - 13 રનમાં 4 વિકેટ (vs દક્ષિણ આફ્રિકા, 2007)
- ઝહીર ખાન - 19 રનમાં 4 વિકેટ (vs આયર્લેન્ડ, 2009)
- પ્રજ્ઞાન ઓઝા - 21 રનમાં 4 વિકેટ (vs બાંગ્લાદેશ, 2009)






