NZ vs AFG / T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ, અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડની શરમજનક હાર
T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. શનિવારે રમાયે

T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. શનિવારે રમાયેલી 14મી મેચમાં અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ સામે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરબાઝ અને ઝાદરાને ટીમને ધીમી પરંતુ મજબૂત શરૂઆત અપાવી હતી. અફઘાનિસ્તાને પ્રથમ 10 ઓવરમાં 55 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાન મોટો સ્કોર નહીં કરી શકે. આ પછી ગુરબાઝ અને ઝાદરાને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. ગુરબાઝે 40 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશિપ
ઝાદરાને અડધી સદી ચૂકી ગયો. તે 44 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, એક છેડે ઉભેલા રહેમાનુલ્લા ગુરબાઝે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. ગુરબાઝે આક્રમક બેટિંગ કરી અને પછીના 16 બોલમાં 30 રન બનાવ્યા. ગુરબાઝે 80 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઓમરઝાઈએ 22 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને છેલ્લી 10 ઓવરમાં 105 રન બનાવ્યા હતા. ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા.
ફઝલહક ફારૂકીએ કીવી ટીમની કમર તોડી
અફઘાનિસ્તાનના 160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફઝલહક ફારૂકીએ પહેલા જ બોલ પર ફિન એલનને આઉટ કરીને ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. આ ઝટકા પછી ન્યુઝીલેન્ડની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી. કોનવે (8), કેન વિલિયમસન (9), ડેરીલ મિચેલ (5), ગ્લેન ફિલિપ્સ (18) મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ફારૂકીએ ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધો.
રાશિદની સ્પિનમાં ફસાઈ ન્યુઝીલેન્ડની ટીમ
આ પછી રાશિદ ખાને પોતાના સ્પિનનો જાદુ ચલાવ્યો અને મિડલ ઓર્ડરને પેવેલિયન ભેગો કર્યો. રાશિદે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહમ્મદ નબીએ પણ 2 વિકેટ લીધી. ફઝલહક ફારૂકીએ 3.2 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી અને ન્યુઝીલેન્ડની ટીમને 15.2 ઓવરમાં 75 રને ઓલઆઉટ કરી. આ સાથે અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 84 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો.








