વિનેશ ફોગાટ બાદ વધુ એક રેસલર વજન વધુ હોવાના કારણે ડિસક્વાલિફાઈ, ઓલિમ્પિક મેડલ વિજેતાને લાગ્યો ઝટકો

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતને આ ટુર્નામેન્ટમાંથી ડિસક્વાલિફાઈ કરવામાં આવ્યો છે. અમન સેહરાવતનું વજન નિર્ધારિત મર્યાદાથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. તે મેન્સ ફ્રીસ્ટાઈલ 57 કિલો વજન કેટેગરીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, રેસલર અમન સેહરાવતનું વજન 1 કિલો અને 700 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો મુજબ, રેસલર નું વજન તેની કેટેગરી સાથે બરાબર મેળ ખાતું હોવું જોઈએ. ફક્ત થોડા ગ્રામનો તફાવત તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. નોંધનીય છે કે, આ કારણોસર પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને ડિસક્વાલિફાઈ કરાઈ હતી. ત્યારે ટાઈટલ મેચ પહેલા વિનેશનું વજન તેની કેટેગરીના વજન કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર, 'આ દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક છે કે અમન સેહરાવત પોતાનું વજન નિયંત્રિત ન કરી શક્યો. જ્યારે અમન સેહરાવતે વજન કરવાના મશીન પર પગ મૂક્યો ત્યારે તેનું વજન 1700 ગ્રામ વધુ થઈ ગયું. આ બિલકુલ સ્વીકાર્ય નથી.'
ભારત માટે મેડલ જીતવાના સૌથી મોટા દાવેદારોમાંથી એક હતો
અમન સેહરાવત 25 ઓગસ્ટના રોજ અન્ય ભારતીય રેસલર્સ સાથે ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યો હતો. તેની પાસે વજન ઉતારવા માટે પૂરતો સમય હતો. 22 વર્ષીય અમન સેહરાવત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લે છે. આ વખતે ભારત માટે મેડલના સૌથી મોટા દાવેદારમાંના એક તરીકે અમન સેહરાવતને ગણવામાં આવતો હતો.
અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિક્સ (2024) માં ભાગ લેનાર એકમાત્ર ભારતીય મેન રેસલર હતો. અમને મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુઅર્ટો રિકોના ડેરિયન તોઈ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો.

