નવા હેડ કોચ બાદ ટીમ ઈન્ડિયાનો સપોર્ટ સ્ટાફ બદલાશે, ગૌતમ ગંભીરના 'ફેવરિટ'ની થશે એન્ટ્રી!
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરતી

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત કરતી વખતે BCCIએ ગૌતમ ગંભીરને મોટી જવાબદારી સોંપી છે. ગંભીર આગામી શ્રીલંકા પ્રવાસથી કમાન સંભાળશે અને તેનો કાર્યકાળ 2027ના અંત સુધી રહેશે. નવા મુખ્ય કોચ સાથે ટીમનો સપોર્ટ સ્ટાફ પણ બદલાશે. T20 વર્લ્ડ કપ 2024ની જીત સાથે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેમના સપોર્ટ સ્ટાફ પારસ મહામ્બ્રે (બોલિંગ કોચ), ટી. દિલીપ (ફીલ્ડિંગ કોચ) અને વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ)નો કાર્યકાળ સમાપ્ત થયો. હવે ગૌતમ ગંભીર ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે, તો સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર થશે.
ગૌતમ ગંભીરના નામ પર લાગી મહોર
2007 અને 2011 વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરને BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના મેન્ટરશિપ હેઠળ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે તેની નજર મુખ્ય કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પર રહેશે. મુખ્ય કોચ બનવા પર ગંભીરે કહ્યું, 'મારા ત્રિરંગા, મારા લોકો, મારા દેશની સેવા કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફને ટીમ સાથેના તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપવા માગુ છું. હું ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું.’
સપોર્ટ સ્ટાફમાં જોડાશે આ દિગ્ગજ ખેલાડીઓ!
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, જુલાઇના અંતમાં શરૂ થતા ભારતના શ્રીલંકાના પ્રવાસ માટે ગંભીર તેના સ્ટાફને સાથે લાવશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગંભીર KKRના બેટિંગ કોચ અભિષેક નાયરને બેટિંગ કોચ તરીકે રાખવા માગે છે. તો બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આર. વિનય કુમારનું નામ સામે આવી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.
ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારત કેટલી ICC ટૂર્નામેન્ટ રમશે?
મુખ્ય કોચ તરીકે ગંભીરનો કાર્યકાળ આ મહિનાના અંતમાં શ્રીલંકા પ્રવાસથી શરૂ થશે અને તે 2027 સુધી ચાલશે. તેમના મુખ્ય કોચ રહેતા ભારતીય ટીમ આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમશે. ટીમ ઈન્ડિયાએ 2026માં T20 વર્લ્ડ કપની યજમાની કરવાની છે. તેમજ સૌથી મોટું લક્ષ્ય 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી સિઝનની ફાઈનલ પણ આ વર્ષે યોજાવાની છે.






