અફઘાનિસ્તાને Asia Cup 2025 માટે કરી ટીમની જાહેરાત, રાશિદ ખાનને મળી કેપ્ટનશિપ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે આગામી મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. UAEમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં રાશિદ ખાન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. આ ટુર્નામેન્ટ 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન અબુ ધાબી અને દુબઈમાં રમાશે.
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાવાનો છે. આ ફોર્મેટમાં કોઈ અફઘાનિસ્તાનની ટીમને હળવાશથી ન લઈ શકે. ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઘણી મોટી ટીમોને હરાવીને આ ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. એશિયા કપમાં પણ અફઘાનિસ્તાન ખૂબ જ મજબૂત ટીમ તરીકે પ્રવેશ કરશે.
આ ખેલાડીની વાપસી
રાશિદ ખાન એક અનુભવી T20 ખેલાડી છે અને તેની સ્પિન કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેની પાસે T20નો સારો અનુભવ છે જે ટીમ માટે ઉપયોગી થશે. ફાસ્ટ બોલર નવીન ઉલ હક ટીમમાં પાછો ફર્યો છે. નવીન ઉલ હક એ જ વ્યક્તિ છે જેનો IPL 2023માં વિરાટ કોહલી સાથે ઝઘડો થયો હતો અને આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. તેની વાપસી ટીમની ફાસ્ટ બોલિંગમાં ઊંડાણ ઉમેરશે. તેના સિવાય, ફઝલહક ફારૂકી, નૂર અહેમદ અને શરાફુદ્દીન અશરફ ટીમમાં છે.
ટીમ કોમ્બિનેશન
ટીમમાં યુવા ઉત્સાહ અને અનુભવી ખેલાડીઓનું સારું કોમ્બિનેશન છે. રાશિદ પાસે મોહમ્મદ નબીના રૂપમાં ખૂબ જ અનુભવી ખેલાડી છે અને તેને સપોર્ટ આપવા માટે ગુલબદીન નૈબ, કરીમ જનત અને મુજીબ ઉર રહમાન છે. બેટિંગની વાત કરીએ તો, રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન અને દરવિશ રસુલી જેવા નામો છે.
અફઘાનિસ્તાનની ટીમ
રશીદ ખાન (કેપ્ટન), રહમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસુલી, સદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નૈબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ મલિક, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

