'મેં શુભમન ગિલના બેટથી...' સેન્ચુરી ફટકારનાર અભિષેક શર્માએ કર્યો મોટો ખુલાસો
પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો, ત

પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો, ત્યારબાદ તેના પર અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. પરંતુ પોતાની કારકિર્દીની બીજી જ મેચમાં અભિષેકે શાનદાર સદી ફટકારીને તમામ સવાલોના જવાબ પોતાના બેટથી આપી દીધા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સીરિઝની બીજી મેચમાં અભિષેકે શાનદાર સદી ફટકારી હતી. હવે અભિષેકે એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે, તેની સદીનું શુભમન ગિલ સાથે કનેક્શન છે.
વાસ્તવમાં સદી ફટકાર્યા પછી ભારતીય ઓપનરે ખુલાસો કર્યો કે, તે શુભમન ગિલના બેટથી રમી રહ્યો હતો, જેના માટે અભિષેકે બેટનો વિશેષ આભાર માન્યો હતો. અભિષેકે જણાવ્યું કે, તે આવું વારંવાર કરે છે. IPLમાં પણ અભિષેકે ગિલ પાસે ઘણી વખત બેટ માગ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં અભિષેકે 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 100 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
બેટ અંગે અભિષેકે મેચ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, ‘આજે હું શુભમન ગિલના બેટથી રમ્યો હતો. તેથી બેટનો પણ આભાર. મારા અંડર-12 દિવસથી મને લાગ્યું છે કે, આવું થાય છે. જ્યારે પણ મને લાગે છે કે આ એક પ્રેશરવાળી મેચ છે અથવા એવી મેચ છે કે જ્યાં મારે પ્રદર્શન કરવાનું છે તો હું કાયમ તેનું બેટ લઈ લેતો હતો. ત્યાં સુધી કે હું IPLમાં પણ એક બેટ માગી લઉં છું. તેણે મને આ બેટ આપ્યું હતું. એટલે મને એવું લાગે છે કે આ ઘણું સારું છે.’
મોટા શોટ રમવાનો શ્રેય પિતાને આપ્યો
સદી ફટકાર્યા બાદ અભિષેકે મોટા શોટ રમવાનો શ્રેય તેના પિતાને આપ્યો હતો. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેના પિતાએ કોચને વધુ પડતી દખલગીરી કરતા રોક્યા. અભિષેકે કહ્યું, "ખાસ ઉલ્લેખ મારા પિતાનો, જેમણે મારા બાળપણમાં કોચને વધારે દખલ ન કરવા દીધો. તેઓ હંમેશા મને મોટા શોટ રમવા માટે કહેતા. પરંતુ એક વાત તેઓ હંમેશા કહેતા કે, જો તમારે લોફ્ટેડ શોટ રમવા ઈચ્છો છો તો તે પછી બાઉન્ડ્રીની બહાર જવું જોઈએ."






