VIDEO / 'મારું થોડું વજન ઓછું..', પાકિસ્તાન સામેની મેચ પહેલા અભિષેક શર્માએ પોતે આપ્યું હેલ્થ અપડેટ

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની બીજી મેચમાં અભિષેક શર્મા નહતો રમ્યો, દિલ્હી પહોંચ્યા પછી તરત જ તેની તબિયત બગડી ગઈ હતી. તેને પેટમાં ઇન્ફેકશન હોવાનું નિદાન થયા બાદ બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તે નામિબિયા સામેની મેચ માટે ટીમ ઈન્ડિયા સાથે જ હતો, પરંતુ તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ નથી. ભારતની આગામી મેચ પાકિસ્તાન સામે છે. આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા અભિષેકે પોતે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું.
અભિષેક શર્માએ દિલ્હીમાં હેડ કોચ ગૌતમ ગંભીરના ઘરે આયોજિત પાર્ટીમાં હાજરી આપી હતી, પરંતુ ત્યાંથી વહેલો નીકળી ગયો હતો. અહેવાલો અનુસાર, પાર્ટીમાં તેની તબિયત ખરાબ લાગી હતી. બાદમાં, પેટમાં ઇન્ફેકશન વિશે જાણવા મળ્યું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને 11 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ફરી ટીમ સાથે જોડાયો હતો, પરંતુ નામિબિયા સામેની મેચમાં નહતો રમ્યો. હવે મોટો પ્રશ્ન એ છે કે શું તે પાકિસ્તાન સામેની મેચમાં રમશે. મેચ પહેલા અભિષેકે જણાવ્યું હતું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેનું વજન થોડું ઓછું થઈ ગયું છે.
અભિષેક શર્માનું વજન ઘટ્યું
અર્શદીપ સિંહ અને અભિષેક શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અર્શદીપ સિંહ તેને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. જેના પર અભિષેકે જવાબ આપ્યો, "બધું બરાબર છે." પછી અર્શદીપ પૂછે છે, "શું તમારું વજન ઓછું થયું છે?" અભિષેકે જવાબ આપ્યો, "હા, બધું બરાબર છે, પણ મારું થોડું વજન ઓછું થયું છે."
શું અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે?
શું અભિષેક આ મોટી મેચમાં રમી શકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. એવા પણ અહેવાલો છે કે અભિષેક USA સામેની મેચ પહેલા બીમાર પડી ગયો હતો. તમને જણાવી દઈએ કે તે મેચમાં તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જોકે, તે મેચ પહેલા દિલ્હીમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. કેપ્ટન સૂર્યાએ તાજેતરના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ નથી થયો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે BCCI અભિષેકની વાપસી માટે ઉતાવળ નહીં કરે.

